08 February, 2024 10:52 AM IST | Mumbai | Mehul Jethva
હૉસ્પિટલાઈઝ્ડ મહિલાની પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં રહેતાં ૪૭ વર્ષનાં કચ્છી મહિલા પુત્રી સાથે એલબીએસ રોડ પર આવેલા બાલરાજેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા સ્કૂટર પર નીકળ્યાં હતાં. દરમિયાન મંદિર નજીક પહોંચતાં મહાવીર અપાર્ટમેન્ટની બહાર સ્કૂટર પાર્ક કરતાં હતાં ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક બાઇકચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. એકાએક લાગેલી ટક્કરમાં મહિલા જમીન પર પછડાયાં હતાં, જેમાં તેમને સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
મુલુંડ-પશ્ચિમમાં સિમેન્ટ કંપની રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની કુલિતા મંગે ૬ ફેબ્રુઆરીએ રાતે ૧૦ વાગ્યે માતા કોકિલા મંગે સાથે સ્કૂટર પર બાલરાજેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. એ સમયે કુલિતા સ્કૂટર ચલાવી રહી હતી. દરમિયાન તે એલબીએસ માર્ગ પરના બાલરાજેશ્વર મહાદેવ મંદિર પાસે જમણો વળાંક લઈને મહાવીર અપાર્ટમેન્ટમાં સ્કૂટર પાર્ક કરી રહી હતી ત્યારે એક કારચાલકે તેજ ગતિએ આવીને તેમના સ્કૂટરને ટક્કર મારી હતી એટલે બંને સ્કૂટર સાથે રોડ પર પટકાયાં હતાં. એમાં કુલિતાને પગમાં માર લાગ્યો હતો અને કોકિલાબહેનને કરોડરજ્જુ પર જોરદાર ફટકો પડ્યો હતો. કોકિલાબહેનને તરત બીજા લોકોની મદદથી મંદિરમાં બેસાડવામાં આવ્યાં હતાં. ત્યારે કારચાલક પણ ત્યાં આવ્યો હતો. તે દવા કરી આપું છું એમ કહી ભીડનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ કોકિલાબહેનને તરત વધુ ઇલાજ માટે મનીષા હાઇટ્સમાં આવેલી મહાવીર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચંદ્રમોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.