30 November, 2024 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૧ની જનગણના મુજબ માત્ર ૧૮૦૦ લોકોની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રના એક ગામની ગ્રામપંચાયતે મહિલાઓનું માન જાળવવા ગામમાં ગાળો બોલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલું જ નહીં, આ બાબતનો ઠરાવ પસાર કરીને એનો ભંગ કરનારને ૫૦૦ રૂપિયા દંડ ફટકારવાનું પણ નક્કી કર્યું છે.
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સુંદાલા ગામની ગ્રામપંચાયતે આ અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. ગામના સરપંચ શરદ અરગડેએ કહ્યું હતું કે ‘ગામમાં દલીલો કે ઝઘડો કરતી વખતે મા-બહેન પર ગાળો આપવી બહુ સામાન્ય થઈ ગયું હતું. ગાળો આપનાર એ ભૂલી જાય છે કે તેના પરિવારમાં પણ મા-બહેન છે એટલે મહિલાઓનું માન સાચવવા અમે ગામમાં ગાળો બોલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ ગાળ બોલશે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એ સિવાય ગામમાં જો કોઈ મહિલાના પતિનું અવસાન થાય તો માથામાંથી સિંદૂર ભૂંસી નાખવું, બંગડીઓ તોડી નાખવી કે પછી મંગળસૂત્ર કાઢી નાખવું જેવી પ્રથાઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.’