02 December, 2023 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના કૅબિનેટ પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળ.
મુંબઈ ઃ રાજ્યના મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેના પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારના કૅબિનેટ પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળ છેલ્લા કેટલાક સમયથી ઓબીસી સમાજનું આંદોલન કરનારાઓને ટેકો આપીને મરાઠા આરક્ષણ આપવાના નિર્ણયને આડકતરી રીતે નકારી રહ્યા છે. છગન ભુજબળ સતત આમ કરી રહ્યા છે એટલે મરાઠા સમાજે તેમનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. ગુરુવારે તેઓ પોતાના મતદારક્ષેત્ર યેવલા ગયા હતા ત્યારે મરાઠા સમાજે તેમને જાકારો આપ્યો હતો અને ગઈ કાલે કર્જતમાં એનસીપીની શિબિરમાં તેઓ પહોંચ્યા હતા ત્યારે મરાઠા સમાજે તેમને હોટેલમાંથી બહાર કાઢવાની માગણી કરીને આંદોલન કર્યું હતું. મરાઠા સમાજના વિરોધને પગલે જોકે છગન ભુજબળે બપોરના સમયે કહ્યું હતું કે ‘તેમને મરાઠા સમાજને આરક્ષણ આપવા સામે કોઈ વાંધો નથી, પણ ઓબીસી સમાજને સરકારે હાથ ન લગાવવો જોઈએ. બિહારની જેમ સરકારે મહારાષ્ટ્રમાં આરક્ષણમાં ૧૦
ટકા વધારીને મરાઠા સમાજને સામેલ કરવો જોઈએ.’
એનસીપીના અજિત પવાર જૂથના પદાધિકારીઓની કર્જતની એક હોટેલમાં બે દિવસની શિબિર આયોજિત કરવામાં આવી હતી. ગઈ કાલે શિબિરના બીજા દિવસે ઓબીસી નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન છગન ભુજબળ હોટેલમાં પહોંચ્યા હતા. આ સમયે મરાઠા સમાજના કેટલાક લોકો પહોંચી ગયા હતા અને છગન ભુજબળના વિરોધમાં જોરશોરથી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે છગન ભુજબળને હોટેલમાંથી બહાર કાઢવાની માગણી કરી હતી. પોલીસે જોકે તેમને થોડી વારમાં હોટેલ પાસેથી ખસેડી દીધા હતા. આવી જ રીતે મરાઠા સમાજે છગન ભુજબળનો તેમના મતદારસંઘ યેવલામાં પણ ગુરુવારે વિરોધ કર્યો હતો અને તેમને ગામમાં પ્રવેશવાની મનાઈ કરી હતી.
મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે મનોજ જરાંગે પાટીલે બે વખત અનશન કર્યું હતું એટલે રાજ્ય સરકારે કાયદાકીય રીતે ટકી શકે એવું આરક્ષણ આપવા માટેની કવાયત હાથ ધરી છે. સરકાર અને ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકથી વધુ વખત કહ્યું છે કે રાજ્યમાં અત્યારે ઓબીસી સહિતના સમાજને આરક્ષણ છે એને હાથ લગાવ્યા વિના મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવશે. આમ છતાં ઓબીસી સમાજમાંથી આવતા છગન ભુજબળ છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમાજની લાગણી દુભાય એવી વાતો કરી રહ્યા છે અને ઓબીસી સમાજના આંદોલનને ટેકો પણ આપી રહ્યા છે.
છગન ભુજબળે કહ્યું હતું કે ‘હું સ્પષ્ટ કરવા માગું છું કે મરાઠા સમાજને આરક્ષણ આપવા સામે મને કોઈ વાંધો નથી. ઓબીસી આરક્ષણમાં ૧૭૪ જેટલી જાતિઓ છે એમને અન્યાય ન થાય એવી મારી માગણી છે. મહારાષ્ટ્રમાં અત્યારે બાવન ટકા આરક્ષણ છે. બિહારે ૬૦ ટકાથી ૭૫ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે એવી રીતે રાજ્ય સરકારે પણ ૧૦થી ૧૨ ટકા આરક્ષણ વધારીને મરાઠા સમાજને આરક્ષણમાં સામેલ કરવો જોઈએ. બિહાર કરી શકે તો મહારાષ્ટ્રે પણ આ વિશે વિચારવું જોઈએ. ઓબીસી સમાજને કોઈ નુકસાન ન થાય એવી રીતે મરાઠા સમાજને આરક્ષણ આપવા સામે મને કોઈ વાંધો નથી.’