01 March, 2024 09:59 AM IST | Mumbai | Sameer Surve
અંબાલામાં પૂર અને ભારે વરસાદને કારણે પહેલા ગર્ડરના પાર્ટનું ફૅબ્રિકેશન અટકી ગયું હતું. નિમેશ દવે
ગોખલે બ્રિજના નિર્માણમાં એક પછી એક પડકારો આવી રહ્યા છે ત્યારે આ બ્રિજ કમ્પ્લીટ ક્યારે થશે એ પ્રશ્ન યથાવત્ છે. ગોખલે બ્રિજ માટે હવે ખેડૂતોનું આંદોલન અવરોધરૂપ બન્યું છે. પંજાબ અને ચંડીગઢમાં થઈ રહેલા પ્રોટેસ્ટને કારણે બીજા ગર્ડરનું શિપમેન્ટ અટકી ગયું છે. બીએમસીની ટાઇમલાઇન અનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ગર્ડરના પાર્ટ આવી જવાની અપેક્ષા હતી, પણ હવે પ્રોજેક્ટ પૂરો થવાની તારીખ આગળ ઠેલાઈ શકે છે. જોકે બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે કહ્યું હતું કે પ્રોજેક્ટ કોઈ વિલંબ વિના સમયસર પૂરો થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અંબાલાની ફૅક્ટરીમાં ગર્ડરના પાર્ટ્સ તૈયાર છે, પરંતુ ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ છે. અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે તેઓ વૈકલ્પિક રસ્તાઓ પર કામ કરી રહ્યા છે અને પ્રોજેક્ટની ટાઇમલાઇન પ્રભાવિત નહીં થાય.
ગર્ડરની લંબાઈ લગભગ ૯૦ મીટર છે અને વજન ૧૩૦૦ ટન છે. ઉલ્લેખનીય છે કે અંબાલામાં પૂર અને ભારે વરસાદને કારણે પહેલા ગર્ડરના પાર્ટનું ફૅબ્રિકેશન અટકી ગયું હતું. ગર્ડરના પાર્ટ્સ ઑગસ્ટ ૨૦૨૩માં મુંબઈ પહોંચ્યા હતા અને બીએમસીએ ડિસેમ્બર ૨૦૨૩માં પહેલો ગર્ડર લૉન્ચ કર્યો હતો.
બીજી તરફ વાહનચાલકો અંધેરી-વેસ્ટમાં સી. ડી. બરફીવાલા કનેક્ટર ખૂલવાની રાહ જોઈ રહ્યા છે જેથી એસ. વી. રોડ જંક્શન પર ટ્રાફિક ઓછો થાય. અંધેરી-વેસ્ટના ધવલ શાહે કહ્યું હતું કે બીએમસીએ ચોમાસા પહેલાં આ કનેક્ટર ખોલવો જોઈએ. જોકે બીએમસીએ જણાવ્યા અનુસાર આઇઆઇટી-મુંબઈ અને વીજેટીઆઇના એક્સપર્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને ડિસેમ્બર ૨૦૨૪ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે. ‘મિડ-ડે’એ ધ્યાન દોર્યું હતું કે તેલી ગલીથી ગોખલે બ્રિજ સુધી એન્ટ્રી કે એક્ઝિટનો કોઈ પૉઇન્ટ નથી. આ મુદ્દો ટૂંક સમયમાં સૉલ્વ થશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.