ઘાટકોપરના છેડાનગર જંક્શન પરનો ફ્લાયઓવર આખરે ઓપન થયો

12 October, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાયઓવરનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે લોકાર્પણ કર્યું હતું

ઘાટકોપરના છેડાનગરના ફ્લાયઓવરનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. (તસવીર - સૈયદ સમીર અબેદી)

ઘાટકોપરના છેડાનગર જંક્શન પર બનાવવામાં આવેલા થાણે તરફ જવા માટેના ફ્લાયઓવરનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે લોકાર્પણ કર્યું હતું. ૧૨૩૫ મીટર લાંબો આ ફ્લાયઓવર શરૂ થઈ જવાથી છેડાનગર પરિસરમાં ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે અને વીસથી ૨૫ મિનિટની સાથે ઈંધણની બચત થશે. છેડાનગર જંક્શન પર હવે ફ્લાયઓવર બની ગયો છે એટલે થાણે તરફ જતા લોકો માટે આ રસ્તો સિગ્નલ-ફ્રી થઈ ગયો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું હતું કે ‘આ ફ્લાયઓવરથી ટ્રાફિક જૅમની તકલીફ ઓછી થશે. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રસ્તા અને મેટ્રોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ઉપરાંત રસ્તાઓને ખાડામુક્ત કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.’

સાંતાક્રુઝ-કુર્લા લિન્ક રોડ ફ્લાયઓવર પણ શરૂ થયો
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે સાંતાક્રુઝ કુર્લા લિન્ક રોડ પરથી સાંતાક્રુઝમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડનારા ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ફ્લાયઓવર શરૂ થવાથી ઈસ્ટર્ન સબર્બ્સમાંથી વેસ્ટર્ન સબર્બ્સમાં હવે અગાઉ કરતાં ઝડપથી પહોંચી શકાશે.

mumbai news mumbai eknath shinde political news ghatkopar mumbai traffic western express highway