આગ ઓલવવા બંધ ઑફિસોનાં લૉક છીણી-હથોડાથી તોડવાં પડ્યાં

07 September, 2024 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલા ટાઇમ્સ ટાવરમાં વહેલી સવારે લાગેલી આગ પાંચ કલાકે કાબૂમાં લેવામાં આવી: કમર્શિયલ ટાવરની ઑફિસો બંધ હોવાથી જાનહાનિ ટળી

ઘટનાનો વિડિયો ગ્રૅબ.

લોઅર પરેલમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલા ૧૪ માળના ટાઇમ્સ ટાવરમાં ગઈ કાલે સવારના ૬.૩૦ વાગ્યે મોટી આગ ફાટી નીકળી હતી. ટાવરની પાછળના ભાગમાં આવેલા ત્રીજાથી ચોથા માળના ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી. આ સમયે ઑફિસો બંધ હતી એટલે ફાયર-બ્રિગેડના જવાનોએ છીણી અને હથોડાથી લૉક તોડીને અંદર પ્રવેશ કરીને આગ ઓલવી હોવાનું જાણવા મળ્યું હતું. આગને પાંચ કલાકમાં કાબૂમાં લેવામાં આવી હતી. ટાઇમ્સ ટાવરમાં ઑફિસો આવેલી છે એટલે જો ચાલુ કામકાજ વખતે આગ લાગી હોત તો અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાની શક્યતા હતી.

ટાઇમ્સ ટાવરની નજીકમાં આવેલા બિલ્ડિંગમાં રહેતા લોકોએ કહ્યું હતું કે ‘ટાઇમ્સ ટાવરમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો અમારા ઘર પાસે જોવા મળતાં અમે ગભરાઈ ગયા હતા. અમારી સોસાયટીના સિક્યૉરિટી સ્ટાફે પહેલાં અમારા બિલ્ડિંગના ફાયર-ફાઇટર અને ઇમર્જન્સી માટેના હોઝ પાઇપની મદદથી આગ ઓલવવા માટેનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર-બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ આગ મોટી હતી, પરંતુ કમર્શિયલ ટાવરની ઑફિસો બંધ હતી એટલે કોઈ જાનહાનિ નહોતી થઈ.’

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલાં ત્રણ પબ અને રેસ્ટોરાંમાં મોડી રાત્રે અચાનક આગ લાગતાં ૧૫ લોકો જીવતા સળગી જવાથી તેમનાં કરુણ મોત થયાં હતાં. આ ઘટના બાદ કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામ અને સ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા ફેરફાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

mumbai news mumbai lower parel fire incident south mumbai