30 September, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક આવેલી શ્રદ્ધા જનરલ સ્ટોરમાં ખંડણી લેવા આવેલા આરોપીઓ પૈસા ન મળતાં નોકર અને માલિકને મારીને કૅડબરી કંપનીનાં બૉક્સ લઈ ગયા હોવાની ફરિયાદ શનિવારે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી છે. કૅડબરીનું બૉક્સ લેતાં પહેલાં આરોપીઓએ દુકાનદાર પાસે પૈસા માગ્યા હતા, પણ દુકાનના માલિક સ્વપ્નિલ ગોસાવીએ આપવાની ના પાડતાં તેમને લોખંડનો સળિયો માથા પર માર્યો હતો, જેમાં તેમને આઠ ટાંકા આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી એક જ આરોપીને પકડ્યો હોવાથી પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આરોપ સ્વપ્નિલ ગોસાવીએ કર્યો છે.
મારી દુકાન પર નોકરી કરતા આશિષ યાદવ પાસે પહેલાં પૈસાની માગણી કર્યા બાદ આરોપી રોહિત અને લિંગા કૅડબરી કંપનીનું આખું બૉક્સ લઈ ગયા હતા એમ જણાવતાં સ્વપ્નિલ ગોસાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ચાર વાગ્યે હું મારા એક અંગત કામસર દુકાનની બહાર ગયો હતો. એ સમયે દુકાન આશિષ સંભાળતો હતો ત્યારે સાંજે પાંચ વાગ્યે રોહિત અને લિંગા દુકાને આવ્યા હતા. તેમણે આશિષ પાસેથી પહેલાં પૈસાની માગણી કરી હતી જે આપવાનો ઇનકાર કરતાં બન્ને જણ આશિષના હાથ પર ફટકો મારીને દુકાનમાં પડેલું કૅડબરીનું બૉક્સ લઈને ભાગવાની તૈયારીમાં હતા. આશિષે મને ઘટનાની જાણ કરતાં હું તાત્કાલિક દુકાને પહોંચ્યો હતો. દુકાને પહોંચીને મેં તેમની પાસેથી કૅડબરીના બૉક્સના પૈસા માગ્યા તો તેમણે મને ત્યાં પડેલો લોખંડનો સળિયો ફટકાર્યો હતો એટલું જ નહીં, મારી મદદ કરવા આવેલા લોકોને પણ તેમણે મારવાની ધમકી આપી હતી. જોકે ત્યાર બાદ મારા માથામાંથી લોહી વહેતું જોઈને બન્ને ત્યાંથી પલાયન ભાગી ગયા હતા. શતાબ્દી હૉસ્પિટલમાં ઇલાજ કરાવ્યા બાદ ત્યાંથી ફરિયાદ નોંધાવવા હું સમતાનગર પોલીસ-સ્ટેશન ગયો હતો. મારા કેસમાં પોલીસને વધુ રસ ન હોવાનું મને દેખાય છે, કારણ કે પોલીસે એક જ આરોપીની ધરપકડ કરી છે.’
સમતાનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક આરોપીની અમે ઘટના પછી તાત્કાલિક ધરપકડ કરી હતી. બીજા આરોપીની અમે શોધખોળ કરી રહ્યા છીએ.’