08 May, 2024 08:21 AM IST | Mumbai | Darshini Vashi
દંપત્તિ
એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે એની અમને જાણ છે અને એ માટે જ અમે ખાસ મુંબઈથી વડોદરા આગઝરતી ગરમીમાં આ ઉંમરે વોટિંગ કરવા ગયાં, પણ અમને અમારો મત આપવાનો અધિકાર ન મળી શક્યો એમ જણાવતાં ભાનુ કોઠારી કહે છે, ‘મારી ઉંમર ૭૮ વર્ષની છે અને મારા હસબન્ડની ઉંમર ૮૬ વર્ષ છે. અમને બન્નેને હેલ્થ-પ્રૉબ્લેમ છે. મારું હૃદય પચીસ ટકા જ ચાલુ છે, જ્યારે મારા હસબન્ડ સહારા વિના ચાલવા માટે અશક્ત છે. અમને બન્નેને અમારી છોકરીઓએ વડોદરા સુધી લાંબા થવાની ચોખ્ખી ના પાડી હતી તેમ જ ડૉક્ટરોએ પણ અમને હેલ્થની દૃષ્ટિએ લાંબી મુસાફરી કરવાની મનાઈ કરી હતી એમ છતાં મતદાનનું મહત્ત્વ અમને ખબર હોવાથી અમે ગયાં. ઘણી વખત એવું બને છે કે એક મતને લીધે આખી સરકાર બદલાઈ જાય. અમારે એવું નથી બનવા દેવું તેમ જ અમારા જેવા વયોવૃદ્ધ લોકોને મતદાન કરતાં જોઈને યુવાનોમાં મત કરવા પ્રત્યે ઉત્સાહ અને જોશ વધે એ પણ અમારો આશય હતો, પણ અમે નિષ્ફળ ગયાં હતાં. અમને અહીં સુધી હાડમારી કરીને અને કામ પડતાં મૂકીને આવવાનું દુઃખ નથી, પણ અમારો અધિકાર છીનવાઈ ગયો હોવાનું વધુ દુઃખ છે.’
વોટિંગ માટે જરૂરી તમામ પ્રૂફ હોવા છતાં વોટ કરવાથી બાકાત કેમ રહ્યાં અને વોટિંગ થઈ શકે એ માટે કેટલા પ્રયત્નો કર્યા એ વિશે જણાવતાં ઉદાસ થઈને ભાનુબેન કહે છે, ‘અમારું પોતાનું ઘર વડોદરામાં છે, પણ અમે ઉંમરલાયક થતાં અમારી દીકરીઓએ અમને બોરીવલીમાં તેમના ઘરની નજીક રહેવા માટે બોલાવી લીધાં હતાં એટલે છેલ્લાં ચારેક વર્ષથી અમે ચીકુવાડીમાં મારી દીકરીના ઘરની નજીક ભાડાના ઘરમાં રહીએ છીએ અને અમારું વડોદરામાં જે ઘર છે એ અમે ભાડે આપ્યું છે. વડોદરામાં વોટિંગ માટે જવાનું છે એ ખબર હોવાથી અમે ઇલેક્શનની તારીખ જાહેર થતાંની સાથે જ ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી હતી. ટ્રેનમાંથી ઊતરીને હું મારા હસબન્ડને વ્હીલચૅર ઉપર બેસાડીને વોટિંગ કેન્દ્ર પર લઈ ગઈ હતી જ્યાં અમે હંમેશાં વોટ આપવા જતાં હોઈએ છીએ, પણ જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારું નામ લિસ્ટમાં નથી, અમે અચરજ પામી ગયાં. અરે! હંમેશાં અમે આ જગ્યાએ વોટ આપવા આવીએ છીએ તો આ વખતે કેમ નથી? અમને અનેક બહાનાં આપવામાં આવ્યાં. મેં તેમને વોટિંગ-કાર્ડથી લઈને દરેક પ્રૂફ આપ્યા છતાં અમને વોટિંગ કરવા ન મળ્યું. એક જણે અમને બીજા કેન્દ્ર પર જવા કહ્યું એટલે અમે ત્યાં દોડ્યાં તો ત્યાં પણ અમારું નામ નહીં. ત્યાંથી અમને રફેદફે કરવા માટે અન્ય કેન્દ્રનું નામ આપવામાં આવ્યું તો અમે ત્યાં પણ દોડ્યાં. પછી તો મેં મારા હસબન્ડને ગાડીમાં જ બેસાડી રાખ્યા અને હું ઊતરીને વોટિંગકેન્દ્ર પર તપાસ કરવા દોડતી. ગરમીમાં ચક્કર પણ આવ્યાં, પણ અમારો હક લેવા મેં છેલ્લે સુધી દોડાદોડી કરી. અંતે મને એક રાજકીય પક્ષની ઑફિસમાં જવાની સલાહ આપવામાં આવી, પણ પછી મારું શરીર સાથ આપતું નહોતું એટલે હું છેલ્લે કંટાળીને પાછી ફરી. મારી આજની જનરેશનને એ જ સલાહ છે કે તમને હક મળ્યો છે તો એનો ઉપયોગ કરો, તમારું નામ લિસ્ટમાં છે તો વોટ ચોક્કસ કરજો. અમારી પાસે આજે બધું હોવા છતાં અમે વોટ ન કરી શક્યાં.’