18 December, 2024 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુપ્તા ટ્રાવેલ્સની આ બસમાં બાળકો પિકનિક જઈ રહ્યાં હતાં, સજાગ ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ મોહન પવાર અને રામદાસ મ્હાલેએ બસ રોકીને કાર્યવાહી કરી હતી.
કુર્લામાં બનેલી બસ-દુર્ઘટના બાદ સચેત થઈ ગયેલી ટ્રાફિક-પોલીસે ગઈ કાલે સ્કૂલનાં બાળકોને પિકનિક લઈ જઈ રહેલી બસ બેદરકારીપૂર્વક દોડતી જોઈને એને રોકીને તપાસ કરતાં બસ-ડ્રાઇવરે દારૂ પીધો હોવાનું જણાયું હતું. ટ્રાફિક-પોલીસે ડ્રાઇવર અને તેના સાથીને અંધેરી પોલીસને હવાલે કર્યા હતા.
સાકીનાકામાં આવેલી યોગીરાજ શ્રીકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓની પિકનિક-બસ ગોરાઈ જઈ રહી હતી. સ્કૂલે ગુપ્તા ટ્રાવેલ્સ પાસેથી એ બસ ભાડે લીધી હતી. સવારે બસમાં ૫૦ વિદ્યાર્થીઓ અને ટીચર હતા અને બસ ગોરાઈ જઈ રહી હતી. સવારે ૯.૩૦ વાગ્યે સહાર પોલીસ ડિવિઝનના બે પોલીસ-કૉન્સ્ટેબલ એક જંક્શન પર ડ્યુટી બજાવી રહ્યા હતા. તેમણે જોયું કે બસ જોખમી રીતે ચલાવાઈ રહી છે એટલે તેમણે બસને અટકાવીને તપાસ કરી હતી. એ વખતે ડ્રાઇવરે દારૂ પીધો હોવાનું લાગતું હતું. તેમણે એ માટે બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ડ્રાઇવર અને તેના સાથીને ઉતારીને તેમની સોંપણી અંધેરી પોલીસને કરી દીધી હતી. આમ તેમણે સમયસૂચકતા દાખવીને અકસ્માત થાય એ પહેલાં જ પગલાં લીધાં હતાં.
અંધેરી પોલીસ સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસે અમને બસના ડ્રાઇવરની સોંપણી કરી હતી. ટ્રાફિક પોલીસને બ્રેથ-ઍનૅલાઇઝરમાં તેણે દારૂ પીધો હોવાનું જણાયું હતું. અમે તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલાવ્યો હતો. એ સિવાય તેનાં બ્લડ-સૅમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. તેને તાબામાં લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જો ડ્રાઇવરે દારૂ પીધેલો પુરવાર થશે તો તેની અરેસ્ટ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે.’