17 December, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ, સુધીર મુનગંટીવાર, તાનાજી સાવંત, રવિ રાણા, વિજય શિવતારે, પ્રકાશ સુર્વે
શરૂઆતમાં ગણગણાટ કરનારા લીડર્સ ગઈ કાલે છગન ભુજબળે કરેલી શરૂઆત બાદ બિન્દાસ બોલવા લાગ્યા કે તેમની સાથે અન્યાય થયો છે: ત્રણેય પાર્ટીમાં સૌથી વધારે નાખુશ નેતા એકનાથ શિંદેની પાર્ટીના
શપથવિધિના દિવસથી જ પ્રધાનપદ ન મળવા બદલ અમુક નેતાઓ નારાજ થઈ ગયા હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો, પણ ગઈ કાલે તો મહાયુતિની દરેક પાર્ટીના નેતાઓએ પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરીને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું ખાતાંઓની વહેંચણી કરવા પહેલાં જ ટેન્શન વધારી દીધું છે.
આજે કે આવતી કાલે ખાતાંઓની વહેંચણી થયા બાદ પણ અમુક મિનિસ્ટર નારાજગી વ્યક્ત કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી મહાયુતિ માટે અત્યારનો સમય પોતપોતાની પાર્ટીના નેતાઓને મનાવવાનો હોય એવું લાગી રહ્યું છે.
ગઈ કાલે સવારે સૌથી પહેલાં ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી વરિષ્ઠ નેતા છગન ભુજબળે. તેમણે તો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ છોડવા સુધીનો ઇશારો કરી દીધો હતો. પાર્ટીએ તેમને પ્રધાનપદ ન આપતાં તેમણે જાહેરમાં કહ્યું હતું કે ‘હા, હું નારાજ છું. મેં અનેક પદ ભોગવ્યાં છે. હું રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન, વિરોધ પક્ષના નેતા સહિતનાં પદો પર રહ્યો હોવાથી પ્રધાનપદ ન મળવાને લીધે નારાજ નથી. જે રીતે મારી સાથે વર્તણૂક કરવામાં આવી એનો મને ગુસ્સો છે. હું શું તમારા હાથનું રમકડું છું? (આ પ્રશ્ન તેમણે નામ લીધા વગર અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પૂછ્યો હતો.) મારું ઘણું અપમાન કરવામાં આવ્યું છે. જ્યાં માન ન હોય ત્યાં સોનાનું પાંદડું આપવામાં આવે એનો પણ કોઈ અર્થ નથી હોતો.’
ત્યાર બાદ યેવલાના વિધાનસભ્ય છગન ભુજબળે કહ્યું હતું કે જહાં નહીં ચૈના, વહાં નહીં રહના. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે તેમને રાજ્યસભાની ઑફર આપી હોવાનું કહેવાય છે, પણ છગન ભુજબળનું કહેવું છે કે જો હું વિધાનસભ્યપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જાઉં તો એ મારા મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે પણ પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાને લીધે નારાજગી વ્યક્ત કરી હતી. સવારે વધારે કંઈ ન બોલનારા ચંદ્રપુરના વિધાનસભ્ય સુધીર મુનગંટીવાર બપોરે નાગપુરમાં નીતિન ગડકરીને મળ્યા બાદ બોલ્યા હતા કે ‘મિનિસ્ટરના લિસ્ટમાં મારું નામ હતું, મને અમારા બન્ને નેતાઓએ (ચંદ્રશેખર બાવનકુળે અને દેવેન્દ્ર ફડણવીસ) આ વાત કહી હતી પછી એવું શું થયું એ મને નથી સમજાતું. જો મને કોઈ કહે તો ખબર પડે કે મારાથી શું ભૂલ થઈ છે જે મારે સુધારવાની જરૂર છે. પાર્ટીના જે નેતાઓના દીકરાઓ બીજી પાર્ટીમાંથી ચૂંટણી લડે છે તેને પ્રધાનપદ આપવામાં આવે છે એ જોઈને નવાઈ લાગે છે.’
તેમનો ઇશારો ગણેશ નાઈક તરફ હતો. તેમનો પુત્ર BJPમાંથી ટિકિટ ન મળતાં શરદ પવારની પાર્ટીમાંથી ઇલેક્શન લડ્યો હતો. સુધીર મુનગંટીવાર નાગપુરમાં હોવા છતાં શપથવિધિમાં કે ગઈ કાલે શિયાળુ સત્રના પહેલા દિવસે વિધાનભવનમાં પણ નહોતા ગયા. સુધીર મુનગંટીવારની જેમ જ દેવેન્દ્ર ફડણવીસના એકદમ વિશ્વાસુ માનવામાં આવતા અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાને પણ પ્રધાનપદ ન મળતાં તેઓ જબરદસ્ત નારાજ થઈ ગયા છે અને નાગપુરથી અમરાવતીના પોતાના ઘરે પાછા આવી ગયા છે.
બીજી બાજુ, એકનાથ શિંદે માટે નારાજગી સૌથી વધારે ચિંતાનું કારણ બની ગઈ છે, કારણ કે તેમણે તાનાજી સાવંત, દીપક કેસરકર અને અબ્દુલ સત્તારને રિપીટ નથી કર્યા અને પ્રધાનપદના દાવેદારોમાં જેમનાં નામ આવતાં હતાં એવા નરેન્દ્ર ભોંડેકર, વિજય શિવતારે અને પ્રકાશ સુર્વેને ચાન્સ ન આપ્યો હોવાથી તેઓ પણ નારાજ થઈ ગયા છે.
ભંડારાના વિધાનસભ્ય નરેન્દ્ર ભોંડેકરે તો ગઈ કાલે શિવસેનાના ઉપનેતાપદેથી રાજીનામું આપી દીધું હતું. ભૂમ-પારંડા-વાશી નામની વિધાનસભા બેઠક પરથી જીતીને આવેલા તાનાજી સાવંત પણ ગઈ કાલે નાગપુરથી પુણે આવી ગયા હતા અને તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર પ્રોફાઇલ પિક્ચરમાં શિવસેના નામ અને ચિહ્ન હટાવીને એની જગ્યાએ બાળાસાહેબ ઠાકરેનો ફોટો લગાવીને શિવસૈનિક લખી નાખ્યું છે. તેમનું કહેવું છે કે એકનાથ શિંદેએ પ્રચારસભામાં આવીને કહ્યું હતું કે તાનાજી સાવંતને હું મિનિસ્ટર બનાવવાનો છું પછી એવું શું થયું કે શિંદેસાહેબે નિર્ણય બદલવો પડ્યો.
પુરંદરના વિધાનસભ્ય મરંવિજય શિવતારેએ તો ત્યાં સુધી કહી દીધું કે મહારાષ્ટ્ર બિહારની દિશામાં આગળ વધી રહ્યું છે, કારણ કે આપણે ત્યાં પણ પ્રાદેશિક સંતુલન રાખવાને બદલે હવે જાતીય સંતુલનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘હવે તો અઢી વર્ષ પછી મને પ્રધાનપદ મળશે તો પણ હું નહીં લઉં. મને પ્રધાનપદ નથી મળ્યું એનાથી વધારે નારાજગી જે વર્તણૂક મારી સાથે કરવામાં આવી છે એની છે. ત્રણમાંથી એક પણ નેતા મને મળવા પણ તૈયાર ન થયા.’
આ સિવાય પણ ત્રણેય પાર્ટીમાંથી અનેક નેતા નારાજ હોવાનું કહેવાય છે. ઘણા એવા નેતાઓ પણ છે જે નારાજ છે પણ જાહેરમાં હજી સુધી કંઈ બોલ્યા નથી અને અનુકૂળ સમયની રાહ જોઈ રહ્યા છે.
મને પ્રધાનપદ મળ્યું હોત તો એનો પાર્ટીને BMCના ઇલેક્શનમાં ફાયદો કરાવી શક્યો હોત: એકનાથ શિંદેના માગાઠાણેના નારાજ વિધાનસભ્ય પ્રકાશ સુર્વે
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને હરાવવા એકનાથ શિંદે સ્ટ્રૅટેજીના ભાગરૂપે પોતાની પાર્ટીના મુંબઈના વિધાનસભ્યને પ્રધાનપદ આપશે એવું માનવામાં આવતું હતું અને આ ગણતરી મુજબ માગાઠાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેનું નામ સૌથી આગળ હતું, કારણ કે તેઓ શિવસેનાના ૫૭ વિધાનસભ્યોમાં સૌથી મોટા માર્જિનથી ચૂંટણી જીતવામાં ચોથા નંબરે હોવાની સાથે શિવસેનામાંથી ત્રીજી વાર જીતીને આવ્યા છે. જોકે પ્રધાનપદ ન મળતાં તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારી પાર્ટીના નેતાએ કદાચ મારું નામ વિચાર્યું હશે, પણ હું ગરીબ ઘરમાંથી આવ્યો હોવાથી સંઘર્ષ કરવો એ મારા ભાગ્યમાં લખેલું છે. મને અત્યાર સુધી જે પણ મળ્યું છે એ સંઘર્ષ કરીને જ મળ્યું છે અને એ હું કરતો રહીશ. અમારી પાર્ટીના વગદાર અને પૈસાવાળા આજી-માજી નેતા અને તેમના પુત્રોને પ્રધાનમંડળમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું અત્યારે તો લાગી રહ્યું છે. જો મને મોકો આપ્યો હોત તો પાર્ટીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં એનો ચોક્કસ ફાયદો કરાવી શક્યો હોત. શિવસેનામાંથી છૂટા પડ્યા ત્યારે શિંદેસાહેબ સાથે જવામાં હું સૌથી આગળ હતો. એવા સમયે મેં સાહેબ (એકનાથ શિંદે)નો સાથ નહોતો છોડ્યો તો અત્યારે એવું વિચારવાનો સવાલ જ નથી. હા, પણ હું સંઘર્ષ કરતો રહીશ.’
પાર્ટીમાંથી ઘણા વિધાનસભ્યો અને નેતાના પ્રકાશ સુર્વેને સમજાવવા માટે ફોન આવ્યા હોવાનું કહેવાય છે, પણ ગઈ કાલે તેઓ નારાજગીને કારણે નાગપુરથી મુંબઈ પાછા આવી ગયા હતા.