ચોમાસામાં ઇમર્જન્સી વખતે BMC તમને કઈ રીતે મદદ કરી શકે છે એ જાણી લો

03 June, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાને સત્વર મદદ પહોંચાડવા માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ બન્યો સજ્જ : બચાવ ટુકડીઓ, હેલ્પલાઇન-નંબર, CCTV તંત્ર વિવિધ કામગીરી કરવા અને મદદ પૂરી પાડવા તૈયાર

જળબંબાકાર

આ વર્ષે ચોમાસું નૉર્મલ કરતાં સારું રહેવાનો વર્તારો છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પણ કમર કસી છે. ચોમાસામાં કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી ઉદ્ભવે એ સ્થિતિમાં મુંબઈગરાને સત્વર મદદ પહોંચાડવામાં આવે એની તકેદારી રાખીને BMCનો ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સજ્જ થયો છે. વિવિધ કામગીરી કરવા અને મદદ પૂરી પાડવા તૈયારી કરવામાં આવી છે. બચાવ-ટુકડીઓ, હેલ્પલાઇન-નંબર, ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) તંત્ર તૈયાર હોવાની માહિતી BMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સંચાલક મહેશ નાર્વેકરે આપી હતી.

મુંબઈ પોલીસ મારફત ગોઠવવામાં આવેલા ૫૩૬૧ CCTV કૅમેરાનું પ્રસારણ જોવા વિડિયો-વૉલ બનાવવામાં આવી છે અને સૂચિત ૧૦,૦૦૦ CCTV કૅમેરામાંથી ઘણાનું કામ પૂરું થયું છે. આથી ચોમાસામાં CCTV કૅમેરાની ભરપૂર મદદ મળશે. મુંબઈમાં નીચાણવાળા વિસ્તારો અને વાહનવ્યવહાર પર CCTV કૅમેરાની નજર રહેશે.

અચૂક માહિતી મળશે
શહેર અને ઉપનગરોમાં પડનારા વરસાદ વિશે દર ૧૫ મિનિટે લેટેસ્ટ રિપોર્ટ અને કોલાબા વેધશાળા તરફથી ઉપલબ્ધ હવામાનની આગાહી સહિત અન્ય મદદ વિશે સ્વયંસંચાલિત વરસાદ માપણી કેન્દ્ર દ્વારા જણાવવામાં આવશે. મુંબઈમાં BMC દ્વારા આવાં ૬૦ કેન્દ્ર સ્થાપવામાં આવ્યાં છે અને બીજાં ૬૦ કેન્દ્ર સ્થાપવાની કામગીરી ગયા વર્ષથી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂરી થવાથી વર્તમાન ચોમાસામાં વિગતવાર અને સચોટ માહિતી BMC દ્વારા મળશે.

ઇમર્જન્સી સહાય તંત્ર
૧૪ ઇમર્જન્સી હેલ્પ સેન્ટરનું પ્રતિનિધિત્વ કરનાર મેઇન સેન્ટરને સમુદ્રમાં જે દિવસે ૪.૫ મીટર કરતાં ઊંચાં મોજાં ઊછળવાનાં હોય એ દિવસે મુખ્ય કન્ટ્રોલ રૂમને રજેરજ માહિતી મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રડાર લેવલ ટ્રાન્સમીટર
નદી, તળાવ, જળાશયમાં પાણીની સપાટીમાં વધારાની જાણકારી મેળવવામાં રડાર લેવલ ટ્રાન્સમીટરથી મદદ થશે. પાણીની સપાટીમાં વધારાની માહિતી ટ્રાન્સમીટર દ્વારા મુખ્ય કન્ટ્રોલ રૂમને મળશે. એને લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સત્વર સ્થળાંતર કરાવી શકાશે.

જોખમી વિસ્તારોની રેકી
મુંબઈ અગ્નિશમન દળ, નૌકાદળ, લશ્કર અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના અધિકારીઓ તથા જવાનો પૂરનાં સંભવિત સ્થળો અને ભેખડ ધસી પડવાનાં સંભવિત સ્થળોની તથા જર્જરિત ઇમારતોની રેકી કરશે.

હૉટલાઇન તૈયાર
ચાર હૉટલાઇન દ્વારા ચીફ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ રૂમ, સંબંધિત અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર, અગ્નિશમન કેન્દ્ર અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેન્ટર એકબીજા સાથે કો-ઑર્ડિનેટ કરી શકશે.

લોકોને આપવામાં આવશે તાલીમ
ભેખડ ધસી પડવાની શક્યતા ધરાવતા કુર્લા, ઘાટકોપર અને ભાંડુપમાં NDRFની બે ટીમનું વિભાજન ત્રણ ટીમમાં કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને ઇમર્જન્સીમાં કામગીરી હાથ ધરવાની તાલીમ આપવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં ભેખડો ધસી પડવા બાબતે મા​હિતી દર્શાવતી પૅનલ જે-તે વિસ્તારોમાં મૂકવામાં આવશે.

બચાવ-ટુકડીઓ તહેનાત
ચોમાસામાં મોટી ભરતીના દિવસે સમુદ્રમાં લોકો ડૂબી જવાની ઘટના ન બને એ માટે દરિયાકિનારે છ લાઇફગાર્ડ, અગ્નિશમન દળના જવાનો અને પોલીસ પૅટ્રોલિંગ વાહનો તહેનાત કરવામાં આવશે. આ સિવાય અગ્નિશમન દળ છ રેસ્ક્યુ બોટ અને ૪૨ લાઇફ જૅકેટ સાથે તૈયાર રહેશે. કોલાબા, વરલી, મલાડ, માનખુર્દ અને ઘાટકોપરમાં નોકાદળની પાંચ પૂર-બચાવ ટુકડી તૈયાર રાખવામાં આવી છે. ઇમર્જન્સીમાં મદદ માટે NDRFની ત્રણ ટુકડીઓ અંધેરી સ્પોર્ટ‍્સ કૉમ્પ્લેક્સ ખાતે ગોઠવવામાં આવી છે. આ સાથોસાથ લશ્કરના ૧૦૦ જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

અન્ય તંત્ર સાથે સમન્વય
પોલીસ, મેટ્રો, મુંબઈ મેટ્રોપૉ​લિટન રીજન ડેવલપમેન્ટ ઑથો​રિટી (MMRDA), મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (MRIDC), NDRF, નૌકાદળ સહિતની સંસ્થાઓ એકબીજા સાથે સમન્વય સાધશે.

કેવી છે તૈયારી?
અત્યંત મહત્ત્વનાં ૬૧ સ્થળો સહિત મહત્ત્વના અધિકારીઓનાં વાહનોમાં આધુનિક ડિજિટલ મોબાઇલ રેડિયો સિસ્ટમ.
મુંબઈ પોલીસ મારફત ગોઠવવામાં આવેલા ૫૩૬૧ CCTV કૅમેરાનું પ્રસારણ જોવા વિ​ડિયો-વૉલ.
હેલ્પલાઇન-નંબર ૧૯૧૬ ઉપર ૬૦ લાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પૂરની સ્થિતિમાં સ્થળાંતર માટે ૨૦ લાઇફ-બોટ.
આ સિવાય મુંબઈગરાને BMC ઍપ, એક્સ હૅન્ડલ તેમ જ ચૅટબૉટ-નંબર ૮૯૯૯૨ ૨૮૯૯૯ પરથી મદદ મળી રહેશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation monsoon news mumbai monsoon