07 February, 2024 07:22 AM IST | Mumbai | Prakash Bambhroliya
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-કુર્લા કૉમ્લેક્સમાં આવેલી ડાયમન્ડ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ છે. એમાં એક પાર્ટીએ ૨૦૦ કરોડનું ઉઠમણું કરવાની સાથે બે દલાલ ૩૫ કરોડ રૂપિયાના હીરા સાથે પલાયન થઈ જવાથી ખળભળાટ મચી ગયો છે. મુંબઈ, સુરત અને ઍન્ટવર્પમાં હીરાનું કામકાજ કરતી સુતરિયા અટક ધરાવતી હીરાની એક પાર્ટીએ ૨૦૦ કરોડ રૂપિયાના રફ હીરા ખરીદ્યા બાદ હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. એ સિવાય ૨૫ અને ૧૦ કરોડના હીરા સાથે બે દલાલ ફરાર થઈ ગયા છે હોવાનું કહેવાય છે. આથી હીરાબજારમાં ચાલી રહેલી મંદીમાં વધુ માહોલ ખરાબ થવાની સાથે ડરનો માહોલ ઊભો થયો છે.
હીરાબજારમાં બે દિવસથી ચર્ચા શરૂ થઈ છે કે સૌરાષ્ટ્રની સુતરિયા અટક ધરાવતી ડાયમન્ડ કંપનીએ ૨૦૦ કરોડ રૂપિયાના રફ હીરા ખરીદ્યા બાદ હાથ ઉપર કરી દીધા છે. વિદેશમાંથી રફની ખરીદી કરીને સુરત-મુંબઈમાં ડાયમન્ડ પૉલિશ કરતા આ વેપારીની કંપની કાચી પડવાથી રોકાણ કરનારાઓના રૂપિયા ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
ભારત ડાયમન્ડ બુર્સમાં કામકાજ કરતા હીરાના એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રના વેપારીની કંપની કાચી પડી હોવાની વાતની ચર્ચા શરૂ થવાથી માર્કેટમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં મંદી ચાલી રહી છે અને કામકાજ બહુ ઓછું છે ત્યારે કંપની ઊઠી જાય તો એની અસર એક-બે વેપારી પર નહીં, આખી માર્કેટને થાય છે. ઘણા સમયથી હીરાની ખરીદી કરતા ટાવરમાં ઑફિસ ધરાવતો એક દલાલ ૨૫ કરોડના અને બીજો એક દલાલ ૧૦ કરોડ રૂપિયાની કિંમતના હીરા સાથે પલાયન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને દલાલનો વ્યવહાર ખૂબ જ સારો છે એટલે તેઓ ક્યારેય કામકાજ સંકેલીને ભાગી જશે એની કલ્પના કોઈ સપનામાં પણ ન કરી શકે. જોકે તેઓ માલ સાથે જતા રહ્યા છે એ હકકીત છે. આને કારણે માર્કેટમાં હવે કોના પર વિશ્વાસ કરવો એ સવાલ ઊભો થયો છે. છેલ્લા કેટલાક સમયથી હીરાનું કામકાજ બરાબર ચાલતું હતું એટલે ઉઠમણું થવાનું લગભગ બંધ થઈ ગયું હતું. ફરી મંદીનો માહોલ છે ત્યારે ઉઠમણાનો મામલો સામે આવ્યો છે.’
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે રશિયાથી ભારતમાં ઇમ્પોર્ટ કરાતા રફ ડાયમન્ડની આવક ઘટવાથી માર્કેટને ગંભીર અસર પહોંચી છે. રફના ભાવ આસમાને પહોંચતાં મોટા ભાગના વેપારીઓએ કામકાજ એકદમ ઓછું કરી નાખ્યું હતું. એવામાં કંપનીના ઉઠમણાની સાથે હીરાદલાલ માલ સાથે પલાયન થવાની ઘટનાથી બજારમાં ફરી મુશ્કેલી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.