21 October, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વ્યાપારી કૃતિ સમિતિની મીટિંગ
મહારાષ્ટ્રના વેપારીઓ દ્વારા ફરી એક વાર સેસને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માગણી બુલંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે પુણેના પૂના મર્ચન્ટ્સ ચેમ્બરમાં બે કલાક ચાલેલી મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિની મીટિંગમાં મુંબઈ, નવી મુંબઈ, નાશિક, નાગપુર, બારામતી, અહમદનગર, બાર્શી, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, કરાડ, સાતારા, પંઢરપુર, જળગાવ, ધુળે, ઉલ્હાસનગર વગેરેના ૭૫ અને ઑનલાઇન ૧૦૦થી વધુ માર્કેટના પદાધિકારીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે APMC માર્કેટના સેસને ઘટાડવાની માગણી કરવાને બદલે એને સંપૂર્ણ રદ કરવાની માગણી જોરદાર કરવી જોઈએ. ચૂંટણીની આચારસંહિતાને કારણે સરકાર હમણાં કોઈ જ નિર્ણય લઈ શકે એમ નથી. આથી હમણાં કૃતિ સમિતિ દ્વારા મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા બેઠકોના બધા રાજકીય પક્ષોના ઉમેદવારોને આ મુદ્દા પર તૈયાર કરેલું આવેદનપત્ર આપવામાં આવશે જેથી તેઓ આ મુદ્દાની ગંભીરતાને સમજીને વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે સેસ હટાવવાનો નિર્ણય લઈ શકે.
કૃતિ સમિતિના સમન્વયક રાજેન્દ્ર બાઠિયાએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે હમણાં રાજ્ય સરકાર આ મુદ્દા પર કોઈ જ નિર્ણય લઈ શકશે નહીં. આથી બાજાર સમિતિ કાનૂન સંબંધિત વિવિધ સમસ્યાઓ અને આ સેસને લઈને અમે એક વિસ્તૃત આવેદનપત્ર તૈયાર કર્યું છે. એમાં અમે કહ્યું છે કે અત્યારની પરિસ્થિતિમાં બાજાર શુલ્ક ગ્રાહકો પર અનાવશ્યક આર્થિક બોજો છે જે પારંપરિક વેપારીઓ માટે હાનિકારક સાબિત થાય છે. ખાદ્ય પદાર્થો અને અનાજ પર ઑલરેડી GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) લગાડવામાં આવ્યો છે એટલે ‘એક દેશ, એક કર’ના નિયમ અનુસાર સેસને રદ કરવો જોઈતો હતો, પરંતુ આજ સુધી સરકાર તરફથી સેસને નાબૂદ કરવામાં આવ્યો નથી એટલે હવે આ સેસને નાબૂદ કરવાની અમારી માગણીને જોરદાર કરવાનો નિર્ણય લીધો છે.’
ગઈ કાલની આ મીટિંગમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ લલિત ગાંધી, ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (મુંબઈ)ના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ, ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડના મોહન ગુરનાણી, ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (મુંબઈ)ના અધ્યક્ષ ભીમજી ભાનુશાલી, પૂના મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ રાયકુમાર નાહર, ભૂતપૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર બાઠિયા, રાજેશ શાહ, પ્રવીણ ચોરબેલે, સાંગલી ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ અમરસિંહ દેસાઈ, શરદ શાહ, સોલાપુરના સુરેશ ચિક્કલી, રાજુ રાઠી, મંદરિનાથ સ્વામી, સિદ્ધારામ ઉમદી, કોલ્હાપુરના પ્રવક્તા પ્રવીણ દેસાઈ, અમરાવતીના વિનોદ કલંત્રી, પંઢરપુરના ગાંધી વગેરે પદાધિકારીઓએ હાજરી આપીને તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ નિર્ણય કેમ લેવાયો?
મહારાષ્ટ્ર સરકારે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ફી અચાનક ચૂંટણીની જાહેરાત પહેલાં ૧૦૦ રૂપિયા પર એક ટકામાંથી ૨૫ પૈસા અને ૫૦ પૈસા કરી હતી. ચૂંટણીની જાહેરાત થતાં સરકારે એમાં પીછેહઠ કરીને ફરીથી ૭૫ પૈસા અને ૧૦૦ પૈસા કરીને વેપારીઓને ઝટકો આપ્યો હતો. આથી રોષે ભરાયેલા વેપારીઓએ હવે સેસમાં ઘટાડો કરવાને બદલે સદંતર નાબૂદ કરવાની માગણી શરૂ કરી છે.