31 August, 2024 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાડાના આ ઘરમાંથી રાઠોડ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ ગઈ કાલે મળી આવ્યા હતા.
૧૭ ઑગસ્ટથી દેખાતાં નહોતાં: રાજકોટથી દીકરાએ આવીને તપાસ કરી તો ઘરમાં ત્રણેયના મૃતદેહ મળ્યા
મુંબઈ પાસેના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નેહરોલી ગામના એક બંધ ઘરમાંથી ગઈ કાલે બે મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવવાની અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. ઘરમાંથી ૭૫ વર્ષના મુકુંદ રાઠોડ, તેમનાં ૭૩ વર્ષનાં પત્ની કંચન રાઠોડ અને ૫૧ વર્ષની પુત્રી સંગીતા રાઠોડના મૃતદેહ પતરાની પેટી અને પૅસેજમાં પડેલા જોવા મળ્યા હતા. ૧૭ ઑગસ્ટથી ત્રણેય ઘરમાંથી બહાર નહોતાં નીકળ્યાં અને તેમનો સંપર્ક નહોતો થઈ શકતો એટલે રાજકોટમાં રહેતો પુત્ર ગઈ કાલે પપ્પાના ઘરે પહોંચ્યો હતો. જોકે દરવાજા પર તાળું મારેલું હતું એટલે પપ્પા-મમ્મી અને બહેન આસપાસમાં ક્યાંક ગયાં હશે એમ માનીને પાડોશીઓની પૂછપરછ કરી હતી. કોઈએ તેમને છેલ્લા કેટલાક દિવસથી જોયાં ન હોવાનું કહ્યું હતું. ઘરમાંથી દુર્ગંધ આવતી હતી એટલે તેણે વાડા પોલીસને જાણ કરતાં એ ટીમ આવી પહોંચી હતી. પોલીસે ઘર ખોલતાં પૅસેજમાં મુકુંદ રાઠોડનો મૃતદેહ મળ્યો હતો. ઘરમાં તપાસ કરતાં ટિનની બે પેટીમાંથી કંચન રાઠોડ અને સંગીતા રાઠોડના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યા હતા. આસપાસ લોહીના ડાઘ જોવા મળ્યા છે એટલે કોઈકે ત્રણેયની હત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
પાલઘરના વાડા પોલીસના ઇન્ચાર્જ દત્તાત્રય કિન્દ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ ગુજરાતના રાજકોટનો રાઠોડ પરિવાર નેહરોલી ગામમાં વીસેક વર્ષથી રહે છે. મુકુંદ રાઠોડ અને તેમનાં પત્ની કંચન અને પુત્રી સંગીતા તેમનું આ ઘર વેચીને તેમના રાજકોટમાં રહેતા પુત્ર પાસે જવાના હતા. લોકો ઘર જોવા માટે આવતા પણ હતા. જોકે ૧૭ ઑગસ્ટથી ઘરના દરવાજાને તાળું મારેલું હતું એટલે તેઓ બહારગામ ગયાં હશે એવું પાડોશીઓએ માની લીધું હતું. આજે બપોરે મુકુંદ રાઠોડનો રાજકોટમાં રહેતો પુત્ર અહીં આવ્યો હતો. ઘરમાં તાળું મારેલું હતું, પણ એમાંથી દુર્ગંધ આવતી હતી એ જોઈને તેણે પોલીસને જાણ કરી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં ઘરમાંથી કોહવાઈ ગયેલા ત્રણ મૃતદેહ જોવા મળ્યા હતા. સામાન્ય સ્થિતિનો પરિવાર છે એટલે કોઈએ લૂંટના ઇરાદે આ હત્યા કરવાની શક્યતા દેખાતી નથી. અમે મૃતદેહોને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ કરવા હૉસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઘરનું પંચનામું કરીને આસપાસ અને રાઠોડ પરિવારના લોકોની પૂછપરછ હાથ ધરી છે. મુકુંદ રાઠોડને ત્રણ પુત્રો છે. એમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે બીજો વસઈમાં અને ત્રીજો પુત્ર રાજકોટમાં રહે છે.’