પાંચ કલાકના ઑપરેશન બાદ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો

12 June, 2023 08:48 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઓશિવરામાં થોડા દિવસ પહેલાં પાણીપૂરી વેચતા ફેરિયાએ મગરને આ વિસ્તારમાં પહેલી વખત જોયો હતો, પણ તેની વાત કોઈએ ગંભીરતાથી નહોતી લીધી

ડબ્લ્યુડબ્લ્યુએના સ્વયંસેવકોની મદદથી નૅશનલ પાર્કની ટીમે રવિવારે વહેલી સવારે મગરને બચાવ્યો હતો. અનુરાગ આહિરે

મુંબઈ : રવિવારે વહેલી સવારે પાંચ કલાકના પડકારજનક ઑપરેશન પછી સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ની ટીમ અને વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (ડબ્લ્યુડબ્લ્યુએ)ના સ્વયંસેવકોએ ઓશિવરાના એક નાળામાંથી ભારતીય માર્શ મગરને સફળતાપૂર્વક બચાવવામાં સફળતા મેળવી હતી. 
એસજીએનપીના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર વિજય બરબડેએ જણાવ્યું હતું કે ‘ડબ્લ્યુડબ્લ્યુએના માનદ વાઇલ્ડલાઇફ વૉર્ડન રોહિત મોહિત અને તેમના સાથીઓ તથા એસજીએનપીના ત્રણ સભ્યો દ્વારા રવિવારે વહેલી સવારે બે વાગ્યાની આસપાસ મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ૨.૫ ફુટ લાંબા મગરનું વજન ૬ કિલો હતું. એનું એસજીએનપીના વેટરિનરી ઑફિસર દ્વારા તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને એ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. મેડિકલ સર્ટિફિકેશન બહાર પડતાં જ મગરને મુક્ત કરવામાં આવશે.’
થોડા દિવસ પહેલાં આ વિસ્તારના પાણીપૂરી વેચતા ફેરિયાએ મગરને પ્રથમ વાર જોયો હતો. તેણે આસપાસના લોકોને આ વાતની જાણ કરી હતી, પરંતુ કોઈએ એને ગંભીરતાથી લીધી નહોતી. બાદમાં એક સ્થાનિક રહેવાસીએ એને જોયો એટલે એની જાણ શિવસેનાના નેતા તથા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર રાજુ પેડનેકરને કરવામાં આવી હતી. ત્યાર બાદ વન વિભાગને ચેતવણી આપવામાં આવી હતી.
શક્યતા છે કે આ મગર આરે મિલ્ક કૉલોની પાસેથી પસાર થતી ઓશિવરા નદીમાંથી નાળા સુધી પહોંચ્યો હોય. આ પ્રકારના મગર (ક્રૉકોડિલસ પલુસ્ટ્રિસ)ને ઇન્ડિયન માર્શ ક્રૉકોડાયલ પણ કહેવામાં આવે છે. એ ભારતીય ઉપખંડ, શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન અને ઈરાનના કેટલાક ભાગમાં રહે છે. એ સામાન્ય રીતે નદી, તળાવ, પહાડી નદી તથા માનવનિર્મિત જળાશયોમાં જોવા મળે છે.

mumbai news oshiwara mumbai