10 February, 2024 07:32 AM IST | Mumbai | Bakulesh Trivedi
પ્રતીકાત્મક તસવીર
શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યાની ઝીણવટભરી તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ કરી રહ્યું છે. અભિષેકની હત્યા કરનાર મૉરિસ નોરોન્હાએ પણ સુસાઇડ કરી લેતાં ચોક્કસ કયાં કારણોસર હત્યા કરવામાં આવી એ સંદર્ભેની તપાસ ચલાવાઈ રહી છે. વળી જે ગનથી આ હત્યા અને સુસાઇડ થયા એ ગન પણ પોલીસે જપ્ત કરી હતી. એ ગન મૉરિસના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની હોવાનું જણાઈ આવતાં તેની ધરપકડ કરી છે, જ્યારે મૉરિસના પર્સનલ અસિસ્ટન્ટ મેહુલ પારેખને પણ તાબામાં લઈ તેની પૂછપરછ ચલાવાઈ રહી છે.
અમરેન્દ્ર મિશ્રા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મૉરિસનો બૉડીગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે તેની સામે આર્મ્સ ઍક્ટની કલમ ૨૯–બી અને ૩૦ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઝોન-૧૧નો ચાર્જ હાલ ઝોન-૧૦ના ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડે પાસે છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હત્યાની આ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ઘટનામાં પીડિત અને હત્યારો બન્ને મૃત્યુ પામ્યા છે. તેમના બન્નેના મૃતદેહ પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેમના પરિવારને સોંપાયા છે. જોકે એક્ઝેટલી પોસ્ટમૉર્ટમમાં જાણવા મળશે કે કેટલી ગોળીઓ ફાયર થઈ અને કઈ રીતે મૃત્યુ થયું. આ હત્યાનો મોટિવ જાણવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચના અમારા કાબેલ ઑફિસર નિનાદ સાવંત કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે.’
અભિષેક ઘોસાળકરની હત્યા આઇસી કૉલોનીમાં મૉરિસ નોરોન્હાની ઑફિસમાં જ થઈ હતી. ઘટના બાદ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની ટીમે સ્પૉટ પર જઈ જે કઈ પણ પુરાવા હતા એ એકઠા કર્યા હતા. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસર નિનાદ સાવંત અને તેમની ટીમે પણ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને તેમની તપાસ ચલાવી હતી.
આ ઘટનાનું જે લાઇવ ફુટેજ હતું એમાં પાંચ ગોળી ફાયર થઈ હોવાનું જણાય છે. બીજું એવું પણ ચર્ચાય છે કે અભિષેક પર ફાયરિંગ કર્યા બાદ મૉરિસે છેલ્લી ગોળી પોતાને મારી હતી. એથી ચાર ગોળી અભિષેક પર ફાયર કરાઈ અને એક ગોળી મૉરિસે પોતાના લમણે ગન મૂકી ફાયર કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ડીસીપી દત્તા નલાવડેએ કહ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કેટલી ગોળી કોને વાગી એ કહી શકાશે.
બીજું ફેસબુક લાઇવમાં મૉરિસ એવું કહેતો સંભળાય છે કેએ લ્યો, મેહુલ પણ આવી ગયો. એથી મેહુલ એ ઘટના વખતે ત્યાં હાજર હતો એથી મેહુલની પૂછપરછ થઈ રહી છે. તેને શું અભિષેકની હત્યા થવાની છે એની જાણ હતી? તે શું હત્યાના કાવતરામાં ઇન્વૉલ્વ હતો? એ બાબતે તપાસ ચલાવાઈ રહી છે.
મૉરિસ જેલમાં હતો ત્યારથી જ અભિષેકની હત્યાનો નિર્ણય કરી ચૂક્યો હતો?
અભિષેકની હત્યા કર્યા બાદ મૉરિસે પોતે પણ સુસાઇડ કરી લીધું હોવાથી પોલીસે મૉરિસની પત્નીની પણ પૂછપરછ કરી હતી, જેમાં તેણે એવુંકહ્યું હોવાનું કહેવાય છે કે મૉરિસ જ્યારે તેના પર નોંધાયેલા બળાત્કારના અને લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં જેલમાં હતો ત્યારે જ તેણે તેની પત્નીને એમ કહ્યું હતું કે હું જ્યારે જેલમાંથી બહાર આવીશ ત્યારે અભિષેકને ખતમ કરી નાખીશ. તેણે મને ખોટા કેસમાં ફસાવી દીધો છે. આમ મૉરિસે પહેલેથી જ અભિષેકને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.