11 December, 2023 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મુંબઈની એક કોર્ટે ૨૦૧૯માં સબર્બન લોકલ ટ્રેનમાં એક યુવતીની છેડતી કરનારા ૪૯ વર્ષના પુરુષને એક દિવસની સજા ફટકારી હતી. ચોથી ડિસેમ્બરના આદેશમાં મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ જણાવ્યું હતું કે આ ગુનો ઘૃણાસ્પદ છે તેથી આરોપીને પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં. યુવતી ૧૩ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આરોપીએ તેની વારંવાર છેડતી કરી હતી. ત્યાર બાદ યુવતી અને તેનો ભાઈ આરોપીને બાંદરા રેલવે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે ‘યુવતી આપેલી માહિતીથી એ સાબિત થાય છે કે આરોપીએ આ કૃત્ય (છેડતી) ઇરાદાથી અને યુવતીનો ચોક્કસપણે વિનયભંગ થશે એ જાણતો હોવા છતાં કર્યું હતું. ફરિયાદી પક્ષે એ સાબિત કર્યું છે કે આરોપીએ આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ ગુનો કર્યો છે અને આરોપીનો ઇરાદો વધુ ખરાબ હોઈ શકે છે.’ કોર્ટે તેને એક દિવસની સજા સાથે ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.