લાઇસન્સ વિના વ્યવસાય કરવા બદલ બાઇક-ટૅક્સીવાળાને તાત્કાલિક સર્વિસ સ્થગિત કરી દેવાનો કોર્ટે આપ્યો આદેશ

14 January, 2023 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાલત આ મામલાની આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ હાથ ધરશે. કંપનીએ ત્યાં સુધી પોતાની સર્વિસ સ્થગિત કરવાની ખાતરી આપી હતી.

બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી લાઇસન્સ મેળવ્યા વિના કામગીરી કરવા બદલ પુણેની બાઇક-ટૅક્સી ઍગ્રિગેટર કંપનીની આલોચના કરી હતી અને એને તાકીદે સર્વિસ સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો.
જસ્ટિસ ગૌતમ પટેલ અને એસ. જી. દિગેની ડિવિઝન બેન્ચે રોપ્પેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (રૅપિડો)ને બાઇક-ટૅક્સી સર્વિસ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો અને નહીં તો અદાલતે રાજ્યના સત્તાતંત્રને કંપનીને કાયમ માટે કોઈ પણ લાઇસન્સ ન આપવાનો આદેશ આપવો પડશે એમ જણાવ્યું હતું. બેન્ચે નોંધ્યું હતું કે લાઇસન્સ વિના કંપની નિયમન સેવા ન ચલાવી શકે.
રોપ્પેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે તેને બાઇક-ટૅક્સી ઍગ્રિગેટર લાઇસન્સ આપવાનો ઇનકાર કરતા રાજ્ય સરકાર દ્વારા ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જારી કરાયેલા પત્ર સામે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
અદાલત આ મામલાની આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીએ હાથ ધરશે. કંપનીએ ત્યાં સુધી પોતાની સર્વિસ સ્થગિત કરવાની ખાતરી આપી હતી.

mumbai news bombay high court