અંધેરીમાં ત્રણ જણનો ભોગ લેનારી આગ લાગી કઈ રીતે?

21 October, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફક્ત પલંગ જ સળગ્યો છે એટલું જ નહીં, પલંગ પર લોહીના ડાઘ પણ મળી આવ્યા છે.

આગની ઘટના પછી ૧૪ માળના રિયા પૅલેસ બિલ્ડિંગમાં પોલીસની ફાઇલ તસવીર

અંધેરીમાં ૧૬ ઑક્ટોબરે લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલા રિયા પૅલેસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝન દંપતી ૭૪ વર્ષના ચંદર પ્રકાશ સોની, તેમનાં પત્ની કાંતા સોની અને ૪૨ વર્ષના હેલ્પર રવિ ભાટિયાનાં મોત થયાં હતાં.

આ આગની તપાસ કરી રહેલી પોલીસ અને ફાયર બ્રિગેડ બન્નેનું કહેવું છે કે આ આગ એક્ઝૅક્ટ્લી કઈ રાતે લાગી એનું કારણ તેમને તપાસ દરમ્યાન જાણવા મળ્યું નથી અને એથી હવે તેઓ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની આ સંદર્ભે કરવામાં આવેલી તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

આ કેસ સાથે સંકળાયેલા ફાયર ઑફિસરે કહ્યું હતું કે ‘ત્રણ જણને ભરખી ગયેલી આ આગની અમે છેલ્લા પાંચ દિવસથી તપાસ કરી રહ્યા છીએ, પણ ચોક્કસ કયા કારણસર આગ લાગી એ અમને જાણવા મળ્યું નથી. અમને એ બદલ કોઈ જ કડી નથી મળી રહી. હું ઘણાં વર્ષોથી ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યો છું, પણ આટલાં વર્ષોમાં આવું ક્યારેય બન્યું નથી. પહેલી વાર અમને આગ શા માટે લાગી એની કોઈ જ કડી નથી મળી રહી.’

ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે માહિતી આપતાં કહેવાયું હતું કે ‘અમે સ્પૉટ પર પહોંચી બાજુવાળા પાસેથી એ ફ્લૅટની ચાલી લઈને ફ્લૅટ ખોલ્યો હતો. અમે જોયું કે તેમનો હેલ્પર શ્વાસ લેવા માટે તરફડી રહ્યો હતો, જ્યારે દંપતી બેડરૂમમાંથી મળી આવ્યું હતું. અમને એમ હતું કે તેમણે ધુમાડો બહાર નીકળી જાય એ માટે બારીઓ ખોલવાનો પ્રયાસ કર્યો હશે, પણ તેઓ એમાં સફળ નહીં થઈ શક્યા હોય. અમને એ જાણીને નવાઈ લાગી કે બેડરૂમમાં તેમનો પલંગ જ સળગ્યો હતો અને અન્ય વસ્તુઓ ઇન્ટેક્ટ હતી. એથી અમે એ.સી. ડક્ટ, ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમ અને અન્ય જલદી સળગી ઊઠે એવી બાબતો ચકાસી હતી, પણ અમને કશું શંકાસ્પદ મળ્યું નહોતું.’

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ઝોન-૯ દી​િક્ષત ગેડામે કહ્યું હતું કે ઓશિવરા પોલીસે આ સંદર્ભે કશું પણ શંકાસ્પદ ન હોવાથી ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હોવા છતાં અમે આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ.

અન્ય એક ફાયર ઑફિસરે કહ્યું હતું કે ‘અમે સિક્યૉરિટી ગાર્ડને પણ પૂછ્યું હતું. તેણે કહ્યું કે ધુમાડો જોઈને તેણે પોલીસને જાણ કરી હતી. જોકે અમે ૮ વાગ્યે પહોંચ્યા હતા અને ધુમાડો જોઈને એવું લાગી રહ્યું હતું કે એક કલાક પહેલાં આગ લાગી હોવી જોઈએ.’

કેસની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે કહ્યું હતું કે ‘ફક્ત પલંગ જ સળગ્યો છે એટલું જ નહીં, પલંગ પર લોહીના ડાઘ પણ મળી આવ્યા છે. અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં છે. એમાં પણ કોઈ આવતું-જતું દેખાતું નથી. આગ શા કારણે અને એક્ઝૅક્ટ્લી ક્યારે લાગી એની પણ જાણ થઈ શકી નથી એટલે આ બાબતે શંકા છે કે કશુંક અજુગતું બન્યું છે.’

પોલીસના જણાવ્યા પ્રમાણે સોની દંપતીને બે દીકરા છે અને તેમને આ બાબતે કોઈ ઑબ્જેક્શન નથી. એમ છતાં તેમનાં સ્ટેટમેન્ટ્સ નોંધવાનાં બાકી છે. હાલ તેઓ સ્ટેટમેન્ટ આપવાની પરિસ્થિતિમાં નથી. જોકે શરૂઆતમાં તેમણે કોઈના પર શંકા ન હોવાનું જણાવ્યું છે. 

mumbai news mumbai andheri lokhandwala fire incident mumbai police