હજીયે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ બની રહી છે એ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટ નારાજ થઈ, પણ કડક બંધી ન મૂકી

31 August, 2024 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ જલદ પગલાં ન લેતાં ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાય એમ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP)થી બનાવેલી મૂર્તિઓના સંદર્ભે નોંધાયેલી અરજીની સુનાવણીમાં ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ આવી ગઈ હોવા છતાં હજી પણ POPની મૂર્તિઓ બની રહી હોવાથી હાઈ કોર્ટે નારાજગી દર્શાવી હતી, પણ ગણેશોત્સવને અઠવાડિયું જ બાકી છે ત્યારે કોઈ જલદ પગલાં ન લેતાં ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાય એમ જણાવ્યું હતું અને એ ન પાળવામાં આવે તો કોને જવાબદાર ઠેરવવા એ નક્કી કરવા કહ્યું હતું.  

POPથી બનાવેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી પાણીમાં એનું વિસર્જન કરવાથી પ્રદૂષણ ફેલાતું હોવાથી એ સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ POPની મૂર્તિઓ બનાવવા પર ૨૦૨૦થી પ્રતિબંધ મૂકી દીધો છે અને એ માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જોકે ચાર વર્ષ થવા છતાં કેટલાંક કારણોને લીધે એનું કડક રીતે પાલન નથી થતું એટલે એ પ્રૉપર ફૉલો કરાય એવી માગણી સાથે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

બૉમ્બે હાઈ કોર્ટે નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે ‘આટલાં વર્ષો થવા છતાં એના પર યોગ્ય રીતે પગલાં નથી લેવાતાં એનું કારણ એ છે કે એ ગાઇડલાઇનનો ભંગ કરનાર પાસેથી કોઈ ફાઇન કે પેનલ્ટી નથી લેવાતી. અમે એમ નથી કહેતા કે તેને જેલમાં નાખો. અમારું કહેવું એ છે કે કોઈ દંડ હોવો જોઈએ જેથી ભંગ કરનારને એનો ડર રહે. વળી એ કાર્યવાહી કરવા પણ કોઈ જવાબદારી આપવી જોઈએ અને એથી પહેલાં એને કાયદેસર કરો.’      

સામા પક્ષે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતાં ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોમાં આ બાબતે જાગૃતિ ફેલાવવા અને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ વાપરવા ઘણાં પગલાં લીધાં છે જેની અસર થઈ છે અને હવે ઘણા લોકો કેટલાક અંશે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ લાવી રહ્યા છે. 

mumbai news mumbai bombay high court supreme court brihanmumbai municipal corporation ganesh chaturthi