10 October, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ હાઈ કોર્ટે ૨૦૧૮માં રાજ્યની મહાનગરપાલિકાઓને ખરાબ રસ્તા અને ખાડાઓથી લોકોને મુક્તિ મળે એ માટે જે આદેશ આપ્યો હતો એનું પાલન થતું ન હોવાનું કહીને ઍડ્વોકેટ રુજુ ઠક્કરે કરેલી અદાલતના તિરસ્કારની અરજી કોર્ટે માન્ય નહોતી રાખી. બૉમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે મહાનગરપાલિકાઓએ અમારા આદેશનું પાલન કરવાની કોશિશ કરી છે અને એમાં તેમને થોડાઘણા અંશે સફળતા પણ મળી છે. આમ છતાં તેમણે હજી ઘણું કરવાનું બાકી છે.
જોકે ત્યાર બાદ ૨૦૧૩માં લોકોના કલ્યાણની બાબતે એક અરજીને સુઓ મોટો (સામે ચાલીને) જાહેર હિતની યાચિકામાં ફેરવવામાં આવી હતી એને રિવાઇવ કરવાની જાહેરાત ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કરી હતી. કોર્ટે મહાનગરપાલિકાઓને ૨૦૧૮ના આદેશનું સંપૂર્ણ પાલન કરવા જરૂરી પગલાં લેવાનું કહીને એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ ત્રીજી ડિસેમ્બર સુધીમાં સુપરત કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પબ્લિક વેલ્ફેર સામે ખતરો હોવાથી સતત સુપરવિઝન કરવું જરૂરી છે.