મા બનવું એ કુદરતી ઘટના, નોકરી આપનારે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ

11 May, 2024 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજમાં મહિલાઓનો હિસ્સો આશરે ૫૦ ટકા જેટલો છે અને જ્યાં તેઓ જીવનનિર્વાહ માટે કામ કરે છે ત્યાં તેમનું સન્માન જાળવવામાં આવવું જોઈએ

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (AAI)એ બે બાળકોની માતાને મૅટરનિટી લીવ ન આપી એ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે માતા બનવું એ કુદરતી ઘટના છે અને એમ્પ્લૉયરે મહિલાઓ પ્રત્યે વિવેકશીલ રહેવું જોઈએ અને તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ. કોર્ટે AAIના પરિપત્રને પણ રદ ઠરાવ્યો હતો.

જસ્ટિસ એ. એસ. ચાંદુરકર અને જિતેન્દ્ર જૈનની બનેલી ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે સમાજમાં મહિલાઓનો હિસ્સો આશરે ૫૦ ટકા જેટલો છે અને જ્યાં તેઓ જીવનનિર્વાહ માટે કામ કરે છે ત્યાં તેમનું સન્માન જાળવવામાં આવવું જોઈએ, તેમને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. બેથી વધારે બાળકો હોય તેવી મહિલાઓને મૅટરનિટી લીવ નહીં મળે એવો પરિપત્ર AAI એ ૨૦૧૪માં બહાર પાડ્યો હતો અને એને કોર્ટે રદ જાહેર કર્યો હતો.

લખન ભૈયા કેસમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા

રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયા મર્ડર કેસમાં સંડોવાયેલા એન્કાઉન્ટર ​સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન-અરજીની સુનાવણી બાદ કોર્ટે ગઈ કાલે તેમના જામીન મંજૂર કર્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટે તેમને ફરમાવેલી સજા સામે તેમણે જામીનની અરજી કરી હતી, જેની શુક્રવારે સુનાવણી થઈ હતી અને તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે તેમને લખન ભૈયા ફેક એન્કાઉન્ટર કેસમાં દોષી ન ગણતાં છોડી મૂક્યા હતા. જોકે ત્યાર બાદ બૉમ્બે હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી તોળ્યો હતો અને તેમને દોષી ઠેરવ્યા હતા. એની સામે તેમણે સુપ્રીમ કોટમાં જામીનની અરજી કરી હતી. એ અરજી પર ગઈ કાલે સુનાવણી થઈ હતી.

mumbai news mumbai bombay high court