પહેલાં મેઇન્ટેનન્સના પૈસા ભરો, માનવતાના ધોરણે પાણી ન કપાય એ દલીલ સાવ ખોટી

22 June, 2024 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે ડોમ્બિવલીની સોસાયટીના રહેવાસીને ખખડાવ્યો

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

ડોમ્બિવલીની એક સોસાયટીમાં રહેતા રહેવાસીએ સોસાયટી સાથે થયેલા મતભેદને કારણે મેઇન્ટેનન્સ આપવાનું બંધ કરી દીધું હતું અને સોસાયટી સામે ફરિયાદો કરી હતી. જોકે ત્યાર બાદ સોસાયટીએ તે મેઇન્ટેનન્સ ન ભરતો હોવાથી અને સાત લાખ રૂપિયા જેટલી રકમ બાકી નીકળતી હોવાથી તેનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું. એથી તેણે સોસાયટી સામે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં એવી ફરિયાદ કરી કે સોસાયટી પાણીની સપ્લાય કાપી ન શકે અને એણે આમ કરીને મારા હ્યુમન રાઇટ્સનો ભંગ કર્યો છે. જોકે ત્યાં ન્યાય ન મળતાં તેણે હાઈ કોર્ટમાં દાદ માગી હતી. હવે બૉમ્બે હાઈ કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘પહેલાં મેઇન્ટેનન્સના પૈસા ભરો. બાકી પાણીનું કનેક્શન કાપી નાખવાથી તમારા હ્યુમન રાઇટ્સનો ભંગ થાય છે એવું નથી. મેઇન્ટેનન્સ પણ ન ભરવું અને ઉપરથી રાઇટ્સ બાબતે રજૂઆત કરવી બન્ને સાથે ન બની શકે.’  

ડોમ્બિવલીની શિવવિહાર કો-ઑપરે​ટિવ હાઉ​સિંગ સોસાયટીમાં રહેતા વિલાસ ડોંગરેને સોસાયટી સાથે મતભેદ હતા. તેનું કહેવું હતું કે સોસાયટીએ પરવાનગી વગર જ ટેરેસ પર પાણીની ટાંકી બનાવી છે જેને કારણે બિ​લ્ડિંગની ઇમારત પર વજન વધી ગયું છે જે બિ​લ્ડિંગ માટે જોખમી છે. આ ઉપરાંત તેની સોસાયટી સામે અન્ય પણ ફરિયાદો હતી. એ સાથે જ તેણે સોસાયટીનું મન્થ્લી મેઇન્ટેનન્સ ભરવાનું પણ બંધ કરી દીધું હતું. મેઇન્ટેનન્સની રકમ સાત લાખ રૂપિયા સુધી વધી ગઈ ત્યારે સોસાયટીએ તેનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું. એથી માનવતાના ધોરણે કોઈનું પાણીનું કનેક્શન કાપી ન શકાય એવી દલીલ સાથે તેણે મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં સોસાયટી સામે ફરિયાદ કરી હતી. જોકે હ્યુમન રાઇટ્સ કમિશને તેની એ અરજી ફગાવી દીધી હતી. એ પછી તેણે હ્યુમન રાઇટ્સ કમિશનના ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો અને સાથે જ ૫૦ ટકા રકમ ડિપો​ઝિટ તરીકે પણ ભરી હતી.

બૉમ્બે હાઈ કોર્ટના જ​​સ્ટિસ અવિનાશ ઘારોટેએ આ સંદર્ભે ૧૨ જૂને આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ‘અરજદારને સોસાયટી સામે ફરિયાદ હોઈ શકે, પણ એનો અર્થ એવો નથી થતો કે તે મન્થ્લી મેઇન્ટેનન્સ આપવાનું બંધ કરી દે. એથી અરજદાર મેઇન્ટેનન્સ ન ભરે અને એ પછી એમ કહે કે સોસાયટીએ મારું પાણીનું કનેકશન કાપીને મારા હ્યુમન રાઇટ્સનો ભંગ કર્યો છે તો એ યોગ્ય ન કહેવાય.’

mumbai news mumbai dombivli bombay high court