મુંબઈ-કચ્છ વચ્ચે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનની રેલવે મંત્રાલય સમક્ષ માગ

21 October, 2023 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છ અને મુંબઈ વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનની કનેક્ટિવિટી મળતાં કચ્છ કૉરિડોરના આર્થિક વિકાસને ગતિ મળશે

ફાઇલ તસવીર

મુંબઈમાં વસતા લાખો કચ્છીઓની વધારાની સુવિધા માટે ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશને મુંબઈ અને કચ્છ વચ્ચે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. આ બાબતે મા‌હિતી આપતાં આ અસોસિએશનના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે યુઝર્સ કમિટીના સભ્ય રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મને માહિતી મળી છે કે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં સ્લીપર કોચ સાથેની વંદે ભારત ટ્રેન દોડાવવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે એથી અમે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આવી સ્લીપર કોચ સાથેની કચ્છ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માગણી કરી છે. કચ્છમાં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં નવા ઉદ્યોગ-ધંધાઓને સ્થાપિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે મહત્ત્વનાં પગલાં લીધાં છે. કચ્છમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના કંડલા અને મુદ્રા પોર્ટને કારણે વેપારક્ષેત્રે કચ્છમાં ખૂબ પ્રગતિ થઈ છે. વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનને કારણે મુંબઈ, સુરત, અમદાવાદ જેવાં શહેરોથી કચ્છ વચ્ચે અવરજવર કરતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કૉર્પોરેટ નોકરિયાતો વગેરે માટે આ આરામદાયક પ્રવાસની સુવિધા ઉપલબ્ધ થશે. કચ્છ અને મુંબઈ વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનની કનેક્ટિવિટી મળતાં કચ્છ કૉરિડોરના આર્થિક વિકાસને ગતિ મળશે. આ ઉદ્દેશ સાથે અમે મુંબઈ અને કચ્છ વચ્ચે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન દોડાવવાની રેલવેપ્રધાન સમક્ષ માગણી કરી છે.’

vande bharat kutch indian railways mumbai mumbai news