પુણેમાં બે લોકોના જીવ લેનારા પૉર્શે-કાંડના ટીનેજર નબીરાને ૩૫ દિવસે કોર્ટે જામીન આપ્યા

26 June, 2024 09:45 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

માતા-પિતા અને દાદા જેલમાં છે એટલે બૉમ્બે હાઈ કોર્ટે કસ્ટડી ફોઈને આપવાનો આદેશ આપ્યો

પૉર્શે-કાંડ અકસ્માતમાં સૉફ્ટવેર એન્જિનિયર અનીશ અવધિયા અને અશ્વિની કોસ્ટાએ જીવ ગુમાવ્યા હતા. તેમના પિતા ઓમપ્રકાશ અવધિયા અને સુરેશ કોસ્ટાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ૧૦-૧૦ લાખ રૂપિયાના ચેક આપ્યા હતા અને તેમને આશ્વસ્ત કર્યા હતા કે આ મામલામાં આરોપીઓ સામે સખત હાથે કામ લેવાની સાથે કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવશે.

૧૯ મેની મધરાતે દારૂના નશામાં ત્રણ કરોડ રૂપિયાની પૉર્શે કાર ચલાવીને બે એન્જિનિયરનો જીવ લેવાના મામલામાં પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગરવાલના ૧૭ વર્ષના ટીનેજર નબીરાના બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે જામીન મંજૂર કર્યા હતા. આથી ટીનેજર ૩૫ દિવસ બાદ બાળસુધારગૃહમાંથી બહાર આવશે. માતા-પિતા અને દાદા આ જ મામલામાં જેલમાં છે એટલે ટીનેજરની કસ્ટડી તેની ફોઈને આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની ખંડપીઠે ગઈ કાલે ટીનેજરને જામીન આપવાનો આદેશ આપતી વખતે પુણે પોલીસને તાત્કાલિક ધોરણે ટીનેજરને બાળસુધારગૃહની કસ્ટડીમાંથી મુક્ત કરવાનું અને તેનો તાબો ફોઈ પૂજા જૈનને આપવાનું કહ્યું હતું. બીજી વખત ટીનેજરની ધરપકડ કરવાને બદલે તેનું કાઉન્સેલિંગ કરવાનો નિર્દેશ પણ કોર્ટે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૯ મેની મોડી રાત્રે ફ્રેન્ડ સાથે પબમાં ડ્રિન્ક કર્યા બાદ પિતા વિશાલ અગરવાલની કાર ચલાવીને બાઇક પર જઈ રહેલા સૉફ્ટવેર એન્જિનિયર અનીશ અવધિયા અને અશ્વિની કોસ્ટાને ઉડાવતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. ટીનેજર પુત્રને બચાવવા માટે પિતા વિશાલ અગરવાલ, મમ્મી શિવાની અગરવાલ અને દાદા સુરેન્દ્રકુમાર અગરવાલે પુરાવા સાથે ચેડાં કરવા પુણેની સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોની મદદથી બ્લડ-સૅમ્પલ બદલ્યાં હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું. આ મામલામાં પુણે પોલીસે ટીનેજરના પિતા, મમ્મી અને દાદા તેમ જ બે ડૉક્ટર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

mumbai news mumbai bombay high court pune road accident mumbai crime news