27 February, 2024 07:20 AM IST | Mumbai | Prakash Bambhroliya
હેમિલ માંગુકિયા
વિદેશ મંત્રાલય અને એમ્બેસીમાં પૂછપરછ અને પત્ર લખ્યા બાદ પણ સુરતના હેમિલ માંગુકિયાના મૃતદેહનો પત્તો નથી લાગી રહ્યો. પુત્રના મૃત્યુના સમાચાર વાયુવેગે બધે પ્રસરી જતાં સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને બે દિવસથી અસંખ્ય લોકો ઘરે પહોંચી રહ્યા છે ત્યારે અંતિમક્રિયા કર્યા વિના હેમિલ માંગુકિયાની ગઈ કાલે સુરતના વરાછા વિસ્તારમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.
રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા સુરતના ૨૩ વર્ષના હેમિલ માંગુકિયાના મૃતદેહનો હજી પત્તો નથી લાગ્યો. હેમિલના પિતા અશ્વિનભાઈએ આપેલી માહિતી મુજબ તેમણે ભારતની સરકારને રશિયા સરકાર સાથે હેમિલનો મૃતદેહ જ્યાં રાખવામાં આવ્યો હોય ત્યાંથી ભારત લાવવા માટે વિવિધ માધ્યમથી વિનંતી કરી છે. હેમિલના મૃત્યુના સમાચાર જાણ્યા બાદ અસંખ્ય લોકો ફોન કરીને અને ઘરે આવીને શોક વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ પુત્રના મૃત્યુનો આઘાત છે તો બીજી બાજુ લોકો સતત આવી રહ્યા છે. એમાં તેમની સ્થિતિ કફોડી બની રહી છે. હેમિલનો મૃતદેહ મળ્યો નથી એટલે તેની અંતિમક્રિયા નથી થઈ શકી. એકસાથે બધા લોકો હેમિલના આત્મા માટે પ્રાર્થના કરી શકે એ માટે સુરતના વરાછા રોડ પર આવેલા હીરાબાગ પાસેની આનંદનગર સોસાયટીની વાડીમાં રાતના આઠથી દસ વાગ્યા સુધી હેમિલનું બંને પક્ષનું બેસણું રાખવામાં આવ્યું હતું. તેના મોસાળની અટક લુખી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેસણામાં મોટી સંખ્યામાં લોકોએ સામેલ થઈને અકાળે મૃત્યુ પામનારા હેમિલને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે મૂળ સૌરાષ્ટ્રના ગારિયાધાર તાલુકામાં આવેલા પાલડી ગામના લેઉવા પટેલ સમાજના એમ્બ્રૉઇડરીનું કામકાજ કરતા હેમિલને વિદેશમાં જઈને જૉબ કરવાની ખૂબ ઇચ્છા હતી એટલે તેણે પરિવારને જાણ કર્યા વિના પહેલાં પોતાનો પાસપોર્ટ બનાવ્યો હતો અને બાદમાં મુંબઈ અને દુબઈના એજન્ટોનો વેબસાઇટના માધ્યમથી સંપર્ક કરીને રશિયા જવા માટેના વીઝા તૈયાર કરાવ્યા હતા. તેને રશિયામાં આર્મીના હેલ્પર તરીકે મહિને બે લાખ રૂપિયાના પગારની ઑફર આપવામાં આવી હતી. આથી તે ૧૫ ડિસેમ્બરે મુંબઈથી રશિયા પહોંચ્યો હતો. ૨૧ ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેનની બૉર્ડર પાસેના વિસ્તારમાં કરવામાં આવેલા ડ્રોન હુમલામાં હેમિલનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ ભારતથી હેમિલ સાથે રશિયા ગયેલા યુવાનોએ હેમિલના પરિવારને કરી હતી. આ યુવાનોએ હેમિલના મૃતદેહને એક ટ્રકમાં મૂકી દીધો હતો. જોકે બાદમાં એ ટ્રક ક્યાં લઈ જવામાં આવી છે એની કોઈ માહિતી હેમિલના પરિવારને નથી.