29 June, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપ્ત કરવામાં આવેલી હાથગાડીઓ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ફેરિયામુક્ત પરિસર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં ૧૮થી ૨૪ જૂન દરમ્યાન ગેરકાયદે ફેરિયાઓ સામે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં ૧૦૩૭ ગૅસ-સિલિન્ડર અને ૭૧૩ હાથગાડી સહિત સ્ટવ, સગડી મળીને કુલ ૩૦૦૦ જેટલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. BMCની હદમાં રસ્તામાં ગેરકાયદે રેંકડી ઊભી રાખીને વડાપાંઉ, પાંઉભાજી, શરબત, પાણીપૂરી વગેરે વસ્તુનું વેચાણ કરનારાઓ આરોગ્યને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ફરિયાદો મળી હતી એટલે BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ જાહેર કર્યા છે જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈગરોને ખુલ્લી જગ્યા મળી શકે અને તેઓ ફુટપાથ પર આરામથી ચાલી શકે એ માટે આ કાર્યવાહી સતત કરવામાં આવશે.
ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે એસ. વી. રોડ અને એલ. ટી. રોડ પરથી ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા. (તસવીર - નિમેશ દવે)