03 August, 2024 12:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં તાનસા, વિહાર, પવઈ, ભાત્સા, મોડકસાગર, મિડલ વૈતરણા અને અપર વૈતરણા જળાશયોમાંથી પાંચ જળાશયની ૧૦ વર્ષથી સફાઈ કરવામાં ન આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ આરોપ વિશે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ માહિતી આપી હતી કે ‘મુંબઈમાં દરરોજ ૩૯૫૦ મિલ્યન લિટર પર ડે પાણી સાત જળાશયોમાંથી સપ્લાય કરવામાં આવે છે. જળાશયોમાંથી સપ્લાય કરવામાં આવતા પાણીનું ભાંડુપ કૉમ્પ્લેક્સ અને પીસે પાંજરાપુર કૉમ્પ્લેક્સ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધીકરણ કરવામાં આવે છે. બાદમાં ૨૨૩૫ મિલીમીટરથી ૫૫૦૦ મિલીમીટર વ્યાસની પાઇપલાઇન અને ટનલ દ્વારા મુંબઈના દરેક વૉર્ડમાં સપ્લાય કરવામાં આવે છે. લોકોના ઘર સુધી પહોંચતું પાણી ૯૯.૩૪ ટકા શુદ્ધ હોય છે. ચોમાસામાં વરસાદના પાણી સાથે ગાળ પણ જળાશયમાં ખેંચાઈ આવે છે. આથી દરેક જળાશયમાં પાણીની પાઇપલાઇન એ મુજબ ઊંચાઈએ જ ગોઠવવામાં આવી છે. જળાશયોની સફાઈ કરવા માટે સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે પાણીનું શુદ્ધીકરણ અને જળાશયમાંથી ગાળ કાઢવાની સ્વતંત્ર પ્રક્રિયા છે એટલે મુંબઈમાં સપ્લાય કરવામાં આવતા પાણીની શુદ્ધતા પર કોઈ બાંધછોડ નથી કરવામાં આવતી.’
જળાશયોમાં પાણીનો સ્ટૉક ૮૦ ટકા થયો
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની સાથે આસપાસ અને ખાસ કરીને થાણે જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે જેને લીધે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીના સ્ટૉકમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે સાતેય જળાશયોમાં ૮૦ ટકા પાણી જમા થયું હતું. મુંબઈમાં દર વર્ષે ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણીની જરૂર રહે છે. એમાંથી એકલા ભાત્સા જળાશયમાં ૭.૧૭ લાખ મિલ્યન લિટર પાણીની ક્ષમતા છે. ગઈ કાલે સવાર સુધીમાં આ જળાશયમાં ૭૯.૪૪ ટકા તો બધાં જળાશયોમાં ૮૦.૪૫ ટકા પાણી જમા થયું હતું. ૨૦૨૨ની બીજી ઑગસ્ટે ૮૮.૮૭ ટકા તો ગયા વર્ષે ૭૭.૩૩ ટકા પાણી જમા થયું હતું. આથી ગયા વર્ષની સરખામણીએ ગઈ કાલે ત્રણ ટકા વધુ પાણીનો સ્ટૉક હતો.