હવે ઓછાં લાકડે થશે અંતિમ સંસ્કાર

25 June, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMC હવે ચિતામાં વપરાતાં લાકડાંની બચત કરી પર્યાવરણ બચાવશે: સામાન્ય ચિતામાં ૩૦૦-૪૦૦ કિલોના વપરાશ સામે ક્લોઝ્ડ ચિતામાં ૧૦૦-૧૨૫ કિલો લાકડાં જ વપરાશે

મૃતદેહને ગરગડીવાળી ટ્રૉલી પર મૂકવામાં આવશે અને એ ટ્રૉલી ને ત્યાર બાદ કવર કરેલી ચિતા માં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હવે સ્મશાનમાં લાકડાં ઓછાં વપરાય એવી પર્યાવરણપૂરક ક્લોઝ્ડ ચિતા વાપરવાનો નિર્ણય લીધો છે. આ ચિતામાં લાકડાં સાથે જ છાણ, સડેલાં પાન, પરાળની ઈંટ (બ્રિક્વેટ)નો પણ ઉપયોગ થવાનો છે. આને લીધે લાકડાં બચશે અને એનો ધુમાડો પણ ઓછો થશે. પરિણામે પ્રદૂષણ પણ ઓછું થશે. 

BMCના એક ઑફિસરે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સ્મશાનમાં ઓછાં લાકડાં વાપરવાનો અમે નિર્ણય લીધો છે. છેલ્લાં ચાર વર્ષથી અમે સાયનના સ્મશાનમાં ઇકો-ફ્રેન્ડ્લી ટેક્નૉલૉજીની ક્લોઝ્ડ ચિતા વાપરી રહ્યા છીએ. હવે અન્ય ૯ સ્મશાનમાં પણ એ બેસાડવામાં આવશે.’

સામાન્ય ચિતા કરતાં એમાં ઓછાં લાકડાં કઈ રીતે વપરાશે એ બાબતે જણાવતાં આ ઑફિસરે કહ્યું હતું કે ‘પરંપરાગત ચિતામાં એક મૃતદેહને બાળવા અંદાજે ૩૫૦–૪૦૦ કિલો લાકડાં જોઈએ, જ્યારે ક્લોઝ્ડ ચિતામાં માત્ર ૧૦૦-૧૨૫ કિલો લાકડાં જોઈએ છે. વળી આ ક્લોઝ્ડ ચિતા એવી રીતે બનાવાઈ છે કે એમાં જે પણ વિધિ કરવાની હોય એ કર્યા બાદ મૃતદેહને ક્લોઝ્ડ ચેમ્બરમાં અગ્નિદાહ આપવામાં આવે. વળી આને કારણે સાદી ચિતામાં જે ૩–૪ કલાકનો સમય લાગે છે એ ઘટીને ૨-૩ કલાક જેટલો થઈ જશે. આ ક્લોઝ્ડ ચિતા બેસાડવાનો ખર્ચ ૧ કરોડ રૂપિયા થાય છે. હવે પછી આવી ક્લોઝ્ડ ચિતા ભોઈવાડા, વડાલા, રે રોડ, ટાગોરનગર (વિક્રોલી), દેવનાર, પોસ્ટલ કૉલોની (ચેમ્બુર), બાભઈ (બોરીવલી) ઓશિવરા અને ગોરેગામમાં બેસાડવામાં આવશે. ક્લોઝ્ડ ચિતા માટેની ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ​ કરી દેવાઈ છે.’

દર વર્ષે મુંબઈમાં ૫૫,૦૦૦ મૃતદેહોને ચિતામાં અગ્નિદાહ આપવામાં આવે છે, જેમાંથી ૪૫,૦૦૦ મૃતદેહોને પરંપરાગત લાકડાંની ચિતામાં અગ્નિદાહ અપાય છે, માત્ર ૧૦,૦૦૦ જેટલા મૃતદેહોને ઇલે​ક્ટ્રિક અથવા ગૅસની ચિતામાં અગ્નિદાહ અપાય છે. હાલ મુંબઈમાં ૧૦ ઇલે​ક્ટ્રિક અને ૧૮ ગૅસની ચિતા છે.  

mumbai news mumbai brihanmumbai municipal corporation environment