09 November, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦ નવેમ્બરે યોજાનારી ચૂંટણીના દિવસે મતદારો તેમનો મત આપી શકે એ માટે મુંબઈ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીએ ફરજિયાત રજા જાહેર કરી છે.
આ બાબતે BMC દ્વારા સ્ટેટમેન્ટ બહાર પાડીને કહેવાયું છે કે સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ, કૉર્પોરેશન અન્ડરટેકિંગ્સ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રુપ, ટ્રેડર્સ અને બધાં જ એસ્ટૅબ્લિશમેન્ટ્સે તેમના કામદારો, કર્મચારીઓ અને ઑફિસરોને ૨૦ નવેમ્બરે તેઓ મતદાન કરી શકે એ માટે રજા આપવી ફરજિયાત છે. અનિવાર્ય સંજોગોને લઈને આખા દિવસની રજા આપવી શક્ય ન હોય તો ઍટ લીસ્ટ ૪ કલાકની રજા આપવી પડશે. જોકે એ માટે તેમણે ઇલેક્શન ઑફિસર પાસેથી આગોતરી પરવાનગી લેવાની રહેશે.
વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ગઈ
ચૂંટણીપંચે ૮૫ કરતાં મોટી ઉંમરના મતદારો ઘેરબેઠાં મતદાન કરી શકે એ માટેની વ્યવસ્થા કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલથી આ વ્યવસ્થામાં મતદાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણીપંચની માહિતી મુજબ ગઈ કાલે સવારના ૧૦ વાગ્યે બોરીવલી બેઠક પર બાબુભાઈ જોશી નામના મતદારના ઘરે જઈને તેમનો મત નોંધવામાં આવ્યો હતો.