મુંબઈમાં પર્યુષણમાં એક દિવસ પશુઓની કતલ નહીં થાય અને માંસ પણ નહીં વેચાય

31 August, 2024 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈ-વિરારમાં પહેલા અને છેલ્લા દિવસે કસાઈઓની દુકાનો બંધ

BMC હેડક્વાર્ટર

જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વમાં પશુવધ ન થાય અને માંસનું વેચાણ ન થાય એ બાબતે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનનોને આ બાબતે નિર્ણય લેવાનું કહ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૪ સપ્ટેમ્બરે એક દિવસ પશુવધ ન કરવાની સાથે માંસનું વેચાણ ન કરવાનો આદેશ ગઈ કાલે જાહેર કર્યો હતો. આથી પર્યુષણના પાંચમા દિવસે મુંબઈમાં કતલખાનાની સાથે મટન અને માંસની દુકાનો બંધ રહેશે.

વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણના પહેલા અને છેલ્લા દિવસે કસાઈઓની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે. મીરા-ભાઈંદરમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી પહેલા અને છેલ્લા દિવસે આવો પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે આ સંબંધે આજે તમામ પક્ષના નેતાઓની બેઠક મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં બોલાવવામાં આવી છે, એમાં એ વિશે નિર્ણય લેવામાં આવશે. થાણે, નવી મુંબઈ અને ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાઓમાં ગઈ કાલ સુધી કોઈ જાહેરાત કે નિર્ણય લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

mumbai news mumbai brihanmumbai municipal corporation jain community festivals vasai virar city municipal corporation