BJPના નેતાએ કહ્યું, અમારા રૂપિયા લઈને NCPએ કૉન્ગ્રેસનું કામ કર્યું

01 September, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના અને NCP બાદ હવે BJP અને NCPનો વિવાદ થયો

અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ પક્ષોમાં ‌શિવસેનાના આરોગ્યપ્રધાન તાનાજી સાવંત અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા ઉમેશ પાટીલના નિવેદનની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અહમદપુરના નેતા ગણેશ હાકેએ NCP પર ગંભીર આરોપ કર્યો હતો. BJPની અત્યારે જનસંવાદ યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગઈ કાલે અહમદપુર વિધાનસભા મતદાર સંઘમાં હતી ત્યારે ગણેશ હાકેએ કહ્યું હતું કે ‘અ‌જિત પવાર જૂથ સાથે થયેલી યુતિ કમનસીબી છે. હકીકતમાં આ યુતિ અમને જ નહીં, તેમને પણ બરાબર નથી લાગી રહી. લોકસભાની ચૂંટણીમાં NCPના કોઈ પણ નેતાએ BJPનું કોઈ કામ નહોતું કર્યું. અમારી પાસેથી રૂપિયા લઈને તેમણે કૉન્ગ્રેસનું કામ કર્યું. આમ કરીને તેમણે BJPના ઉમેદવારને હરાવ્યા હતા. અત્યારે અહીં NCPના વિધાનસભ્ય છે. તેઓ કહે છે કે આપણી યુતિ છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં યુતિ ધર્મ નહોતો પાળ્યો. મહાયુતિનો ધર્મ અમારે એકલાએ જ પાળવાનો?’

દરમ્યાન, લાતુરના BJPના નેતા દિલીપ દેશમુખે પણ NCP પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં NCPનો એક પણ મત અમને મળ્યો નહોતો. આથી વિધાનસભાની ચૂંટણીમાં અમે પણ તેમને મદદ નહીં કરીએ.’

mumbai news mumbai ajit pawar nationalist congress party shiv sena bharatiya janata party political news maharashtra news