28 February, 2024 07:37 AM IST | Mumbai | Rohit Parikh
સાંતાક્રુઝના વાકોલામાં રહેતો બાઇક-મેકૅનિક ૪૮ વર્ષનો વિનોદ વિશ્વકર્મા.
માણસને જીવન જીવવાની જિજીવિષા હોય અને તે તન અને મનથી પૉઝિટિવ હોય તો જીવનમાં ગમે એવું તોફાન આવે તો પણ એમાંથી પાર ઊતરી જાય છે. આવો જ એક માનવી એટલે સાંતાક્રુઝના વાકોલામાં રહેતો ૪૮ વર્ષનો બાઇક-મેકૅનિક વિનોદ વિશ્વકર્મા. વિનોદ વિશ્વકર્માએ ૧૪ વર્ષ પહેલાં તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તેના ટ્રાન્સપ્લાન્ટના બીજા જ વર્ષથી વિનોદ દેશના અનેક ભાગોમાં કિડનીના દરદીઓને પ્રાત્સાહિત કરવા અને તેમને તન અને મનથી પૉઝિટિવ રહેવાનો સંદેશો આપવા બાઇક પર ફરતો રહે છે. અત્યાર સુધીમાં તે બે લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યો છે. શનિવારે સવારે છ વાગ્યે વિજય આ જ સંદેશો લઈને તેની મોટરબાઇક પર અંધેરીથી કાઠમાંડુ ૫૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરવા નીકળ્યો છે.
વિનોદ વિશ્વકર્માને ૨૦૦૮માં યુરિન બંધ થવાની તકલીફ થઈ હતી. એમાં તેની બંને કિડની ફેલ થઈ ગઈ હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. કેઈએમ હૉસ્પિટલમાં તેણે બે-ત્રણ વાર ડાયાલિસિસ કરાવ્યું હતું. ત્યાર પછી તેને જીવનભર ડાયાલિસિસ કરાવવાની અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એ બે જ ઉપાયની જાણ હોવા છતાં તેને બે વર્ષનો સમય ઘરઘરાઉ દવા કે અન્ય કોઈની સલાહ મુજબ દવા કરવામાં કાઢી નાખ્યાં હતાં. આ સિવાય તેને જેટલા લોકોનાં માર્ગદર્શન અને સૂચનો મળ્યાં એટલાં દેવ-દેવી અને ભગવાનને પૂજવામાં તેનો સમય કાઢી નાખ્યો હતો. આખરે મુંબઈના નર્મદા કિડની ફાઉન્ડેશન સાથે સંકળાયેલા નેફ્રોલૉજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યલિસ્ટ ડૉ. ભરત શાહ પાસે વિનોદ વિશ્વકર્માએ તેની એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી.
હું દર્દની ખબર પડી એ દિવસથી જ પૉઝિટિવ હતો, મને કોઈ જ પ્રકારનો ભય લાગ્યો નહોતો અને હું દરેક પરિસ્થિતિમાં માનસિક રીતે મજબૂત રહ્યો છું એમ જણાવતાં વિનોદ વિશ્વકર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિડની ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લીધો એ પછી કિડનીનો ડોનર ગોતવાનો હતો. અમે પાંચ ભાઈ અને ત્રણ બહેનોમાં હું સૌથી નાનો છું. મારી પત્ની સહિત મારા આખા પરિવારનો મને મૉરલ સપોર્ટ રહ્યો છે. મારા પરિવારમાં મારાથી મોટા ભાઈ સંતોષ વિશ્વકર્મા અને મારા સિવાય પરિવારના બીજા ૧૫ સભ્યો બધા જ ‘બી’ પૉઝિટિવ છે. અમે બંને ‘ઓ’ પૉઝિટિવ છીએ. એટલે મારા ભાઈએ તરત જ મને તેની કિડની ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી. જોકે તેને યુરિનમાં પ્રોટીન જતું હોવાથી પહેલાં તેની ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડી હતી. જોકે મારા ત્રણ બનેવીઓ ‘ઓ’ પૉઝિટિવ હોવાથી મારા એક બનેવી ગિરધરલાલ વિશ્વકર્માએ મને તેમની કિડની ઑફર કરી હતી. ત્યાર બાદ બંનેની બધી જ તપાસ કર્યા પછી ૨૦૧૦માં ડૉ. ભરત શાહે સફળતાપૂર્વક મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.’
એક વર્ષ સુધી મને ઘરની બહાર જવાની મનાઈ હતી એમ જણાવીને વિનોદ વિશ્વકર્માએ કહ્યું હતું કે ‘મને દર્દની ખબર પડી એ બે વર્ષ પણ હું ઘરમાં બેઠો નહોતો. હું મારા મેકૅનિકના જૉબ પર રેગ્યુલર જતો હતો. મુંબઈનું નર્મદા કિડની ફાઉન્ડેશન તેમના બધા જ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટો માટે વિવિધ સ્પોર્ટ્સની હરીફાઈઓ યોજે છે. એમાં બૅડ્મિન્ટનમાં હું ફર્સ્ટ આવ્યો હતો. ત્યાર પછી હું દેશના અનેક ભાગોમાં મોટરબાઇક લઈને કિડનીના દરદીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને તન અને મનથી પૉઝિટિવ રહેવાનો સંદેશો આપવા ફરતો રહ્યો છું. છેલ્લાં ૧૪ વર્ષમાં હું બે લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યો છું. એનું એકમાત્ર કારણ એ છે કે હું પહેલેથી જ મારું જીવન પૉઝિટિવ જીવી રહ્યો છું. મારો વિલ પાવર જોરદાર છે. મારો પરિવાર પણ પૉઝિટિવ છે. મારી પત્ની મને સતત પ્રોત્સાહિત કરી મારી નાની-નાની વસ્તુઓનું પણ તે ધ્યાન રાખીને મારા આયુષ્યમાં વધારો કરતી રહે છે. મારી પત્ની અને ડૉ. ભરત શાહને લીધે હું કોવિડના સમયમાં પણ સંઘર્ષમાંથી પાર ઊતરી ગયો હતો.’
શરીરના કોઈ પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ પછી અનેક પ્રકારની કાળજી લેવાની હોય છે એમ જણાવતાં છેલ્લાં ૨૫ વર્ષથી બિનસરકારી સંસ્થા નર્મદા કિડની ફાઉન્ડેશનમાં સેવા આપી રહેલા સંસ્થાના કો-ઑર્ડિનેટર રજનીકાંત ઘુવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિડનીના પેશન્ટોએ અનેક કાળજી લેવાની હોય છે. જેમ કે માસ્ક પહેરવો જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, ગરમ ખોરાક ખાવો જોઈએ અને દવાઓ દરરોજ સમયસર લેવી જોઈએ. વિનોદ ડૉક્ટરની માર્ગદર્શિકા મુજબ ફૉલોઅપ કરે છે. મુસાફરી દરમિયાન વિનોદ સાદો ખોરાક રોટલી, ભાત, દહીં, દાળ અને શાક ખોરાકમાં લે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટના દિવસથી જ વિનોદ અમારી સંસ્થાનો શુભેચ્છક અને સદસ્ય બની ગયો છે.’
નર્મદા કિડની ફાઉન્ડેશન શું છે અને શું કાર્ય કરે છે?
નર્મદા કિડની ફાઉન્ડેશનની સ્થાપના ૧૯૯૩માં કરવામાં આવી હતી. એ એક બિનસરકારી સંસ્થા છે જેનો ઉદ્દેશ કિડનીની બીમારીવાળા લોકોને મદદ કરવાનો છે. ફાઉન્ડેશનનો માર્ગદર્શક સિદ્ધાંત છે ‘જીવન વહેંચાયેલું જીવન’. ફાઉન્ડેશન માને છે કે જ્ઞાન એ સર્વોચ્ચ શક્તિ છે અને જ્ઞાનની વહેંચણી અમારા મિશનને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય લોકોને તેમની કિડનીની સંભાળ રાખવામાં અને કિડનીના રોગોને રોકવામાં મદદ કરવાનું, દરદીઓ અને તેમના પરિવારોને કિડનીના રોગો અને સારવારના વિકલ્પો સમજવામાં મદદ કરવાનું, કિડનીના દરદીઓ માટે સહાયક જૂથ પ્રદાન કરવાનું, તેમને રોગનો સામનો કરવામાં મદદ કરવાનું અને કૅડેવર અંગ પ્રત્યારોપણને પ્રોત્સાહન આપવાનું છે. ફાઉન્ડેશન એનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે એના પ્રયત્નોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.