આ વખતે જૂનમાં સબર્બ્સમાં ૩૫ ટકા ઓછો વરસાદ થયો

01 July, 2024 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈ મહિનામાં પહેલા છ દિવસ મુંબઈ સહિત કોંકણ કિનારપટ્ટી પર મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આ વર્ષે કેરલામાં બે દિવસ વહેલા દાખલ થયેલા મૉન્સૂને ૯ જૂને મુંબઈમાં એન્ટ્રી મારી દીધી હતી. એથી લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. જોકે જૂન મહિનામાં મુંબઈમાં જે સરેરાશ વરસાદ થાય છે એના કરતાં આ વખતે ઓછો વરસાદ થયો છે.

સામાન્ય રીતે જૂન મહિનામાં કોલાબા અને સાંતાક્રુઝમાં થોડોઘણો વધારે-ઓછો વધારે વરસાદ પડતો હોય છે. કોલાબામાં ઍવરેજ ૫૪૨ એમએમ અને સાંતાક્રુઝમાં ૫૩૭ એમએમ વરસાદ નોંધાતો હોય છે; જ્યારે આ વર્ષે જૂન મહિનામાં કોલાબામાં ૫૦૭ એમએમ વરસાદ નોંધાયો છે, જે ઍવરેજ કરતાં ૭ ટકા ઓછો છે. જોકે સાંતાક્રુઝમાં બહુ મોટો ફરક પડી ગયો છે. સાંતાક્રુઝમાં ઍવરેજ ૫૩૭ એમએમ સામે માત્ર ૩૪૭ એમએમ વરસાદ પડ્યો છે. આમ ૬૫ ટકા જ વરસાદ પડતાં ૩૫ ટકા વરસાદ ઓછો પડ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૧૯૯૧થી લઈને અત્યાર સુધીમાં જૂન મહિનામાં ૧૦૦ એમએમ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો હોય એવાં વર્ષોમાં ૧૯૯૫માં ૮૨.૨ એમએમ અને ૨૦૧૪માં ૮૭.૩ એમએમ વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે ૩૦ જૂને કોલાબામાં ૧૫.૮ એમએમ જ્યારે સાંતાક્રુઝમાં ૨૫.૨ એમએમ વરસાદ નોંધાયો હતો.  

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી શરૂ થતા જુલાઈ મહિનામાં પહેલા છ દિવસ મુંબઈ સહિત કોંકણ કિનારપટ્ટી પર મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહેશે. કેટલીક જગ્યાએ ભારે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. 

mumbai news mumbai mumbai monsoon mumbai rains