24 August, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી-ઈસ્ટના રાજેન્દ્રનગરમાં બંધની જાહેરાત કરતું પોસ્ટર. (તસવીર: સતેજ શિંદે)
બૉમ્બે હાઈ કોર્ટે બંધ ગેરકાયદે હોવાનો આદેશ આપ્યો એ પછી બદલાપુરની ઘટનાના વિરોધમાં આપવામાં આવેલું મહારાષ્ટ્ર બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું : મહા વિકાસ આઘાડી હવે મહારાષ્ટ્રભરમાં મોં પર કાળી પટ્ટી બાંધીને મૂક પ્રદર્શન કરશે : બપોરના ઉદ્ધવ ઠાકરેએ લોકોને બંધમાં જોડાવાની અપીલ કરી હતી, પણ કોર્ટની ફટકાર મળતાં આહ્વાન પાછું ખેંચવું પડ્યું
બદલાપુરની સ્કૂલમાં બે કુમળી બાળકીઓનું શારીરિક શોષણ કરવાની ઘટના બાદ મહારાષ્ટ્રમાં મહિલાઓ સલામત નથી એમ જણાવીને વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું હતું. બંધના આ એલાનને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે બૉમ્બે હાઈ કોર્ટે આ બંધને ગેરકાયદે ગણાવ્યો હતો અને કોઈ બંધ કરાવે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપતાં મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષોએ બંધનું એલાન પાછું ખેંચતાં આજનો બંધ ટળ્યો હતો.
મહા વિકાસ આઘાડીના બંધના એલાનને બૉમ્બે હાઈ કોર્ટમાં એકથી વધુ અરજીઓ કરીને પડકારવામાં આવ્યો હતો. આ અરજીઓની ગઈ કાલે સુનાવણી કરવામાં આવી ત્યારે અરજી કરનારાઓના વકીલે દલીલ કરી હતી કે એક દિવસના બંધથી સામાન્ય લોકોને આર્થિક નુકસાન થવાની સાથે તેમની મિલકતની તોડફોડ પણ થઈ શકે છે, આ સિવાય બદલાપુરની ઘટનાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે એટલે આ મામલે રાજ્ય સરકાર ગંભીર છે એટલે આ બંધ રાજકીય છે.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયની અધ્યક્ષતાની ખંડપીઠે દલીલો સાંભળ્યા બાદ ૨૪ ઑગસ્ટે એટલે કે આજે મહા વિકાસ આઘાડીએ બંધનું કરેલું એલાન ગેરકાયદે છે, કોઈ રાજકીય પક્ષ બંધ ન કરી શકે, કોઈ બંધ કરાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ કહીને રાજ્ય સરકાર અને પોલીસને કોઈ બંધ કરાવે તો એની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે બંધનું એલાન કરનારા મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને નોટિસ મોકલી હતી.
બૉમ્બે હાઈ કોર્ટે કોઈ પણ રાજકીય પાર્ટીઓ કે વ્યક્તિઓને બંધ કરવાની મનાઈ ફરમાવી એ પછી બંધ વિરુદ્ધના એક અરજીકર્તા ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તેએ ભારતના બંધારણની પ્રત મીડિયા સમક્ષ દેખાડી હતી.
આહ્વાન પાછું ખેંચો : શરદ પવાર
બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર બંધને ગેરકાયદે ગણાવવાની સાથે કોઈ બંધ કરાવશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો એ પછી શરદ પવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘બદલાપુરની ઘટનાને પગલે ૨૪ ઑગસ્ટે રાજ્યવ્યાપી સાર્વજનિક બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. બે માસૂમ બાળકી પર થયેલા અત્યાચારના મામલે સરકારનું ધ્યાન દોરવાનો આ પ્રયાસ હતો. બૉમ્બે હાઈ કોર્ટે આ બંધ ગેરકાયદે હોવાનું કહ્યું છે. કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સમય નથી. આથી ભારતની ન્યાયવ્યવસ્થાનો આદર રાખીને બંધનું એલાન પાછું લેવાનું આહવાન કરું છું.’
મોં પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરીશું : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે બપોરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને લોકોને મોટી સંખ્યામાં બંધમાં જોડાવાની અપીલ કરી હતી. મીડિયા સમક્ષ તેમણે આ બંધ કોઈ રાજકીય પક્ષનો નહીં પણ સમાજની બહેન-દીકરીઓની સુરક્ષા માટે હોવાનો દાવો કર્યો હતો. જોકે બૉમ્બે હાઈ કોર્ટે બંધ ગેરકાયદે હોવાનો આદેશ આપવાની સાથે શરદ પવારે પણ બંધનું એલાન પાછું ખેંચવાનું આહવાન કર્યું હતું. એ પછી સાંજે સાત વાગ્યે ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હાઈ કોર્ટનો આદેશ મને માન્ય નથી. જોકે આ આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય નથી એટલે અમે બંધ પાછો ખેંચીએ છીએ. બંધની જગ્યાએ રાજ્યનાં તમામ શહેરો અને ગામના ચોકમાં મોં પર કાળી પટ્ટી બાંધીને વિરોધ-પ્રદર્શન કરીશું.’
કોર્ટના આદેશથી વિરોધીઓને લપડાક પડી : એકનાથ શિંદે
બંધ ગેરકાયદે હોવાનો બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કોર્ટનો આ આદેશ વિરોધીઓને લપડાક છે. કોર્ટે બંધ કરાવનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે એનું પાલન કરવામાં આવશે. બદલાપુરની ઘટના માનવતા પર કલંક છે. લાડકી બહિણ યોજનાથી મહિલાઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, પણ વિરોધીઓ આ યોજનામાં પણ રાજકારણ કરીને બદનામી કરી રહ્યા છે. બદલાપુરની ઘટનાના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે.’
લોકો બંધ કરશે તો અમારી જવાબદારી નહીં: નાના પટોલે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ બંધનું એલાન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જોકે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કોર્ટના આદેશ બાદ કહ્યું હતું કે ‘અમે બંધ ન કરવાનો નિર્ણય લીધો છે, પણ જનતા એની રીતે બંધ કરશે તો અમારી કોઈ જવાબદારી નહીં રહે. લોકોમાં સરકાર સામે ગુસ્સો છે એટલે તેઓ આવું પગલું ભરી પણ શકે છે.’
સુપ્રીમ કોર્ટને તાળાં મારીને અંધા કાનૂનની આંખ કાઢવાનો સમય આવ્યો છે: સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે ભારતની સુપ્રીમ કોર્ટ વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. ગઈ કાલે જળગાવ જિલ્લાના અમળનેર ખાતે શિવ સંવાદ સભામાં સંજય રાઉતે મહાયુતિ સરકાર, મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટની અત્યંત ખરાબ ભાષામાં ટીકા કરી હતી. સંજય રાઉતે કહ્યું હતું કે ‘શિવસેનાના ભાગલા પડ્યા બાદ ૪૦ વિધાનસભ્યની અપાત્રતા અને શિવસેનાના પક્ષપ્રમુખ એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે એ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ મામલે તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે, પણ અંતિમ સુનાવણી અને ચુકાદો નથી આવી રહ્યો. ત્રણ વર્ષથી કોર્ટમાંથી ન્યાય નથી મળી રહ્યો એટલે હવે અંધા કાનૂનની આંખો કાઢવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટને તાળાં લગાવી દેવાં જોઈએ. કોર્ટ મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર ગેરકાયદે હોવાનું માને છે, પણ ચુકાદો નથી આપતી. આ અંધા કાનૂન છે.’
૨૦૦૩માં મુંબઈ બંધનું એલાન કરનારી શિવસેના અને BJPને ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ થયેલો
૨૦૦૩ની ૨૮ જુલાઈએ ઘાટકોપરમાં બૉમ્બબ્લાસ્ટ થયો હતો એના વિરોધમાં વિરોધ પક્ષમાં રહેલી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૨૦૦૩ની ૧૬ સપ્ટેમ્બરે મુંબઈ બંધ કરાવ્યું હતું. આ મામલે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈ કોર્ટે આ બંધ દરમ્યાન ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું એટલે શિવસેના અને BJPને ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો એટલે દંડની રકમ મહારાષ્ટ્ર સરકારના અકાઉન્ટમાં જમા કરાવવી પડી હતી. સુપ્રીમ કોર્ટે એ સમયે બંધને ગેરકાયદે ઠેરવ્યો હતો અને કોઈ પણ રાજકીય પક્ષ બંધ કરાવે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.