૧૨ વર્ષના છોકરાનો કપાઈ ગયેલો અંગૂઠો છ કલાકની સર્જરી પછી ફરીથી જોડ્યો

16 July, 2021 07:43 AM IST  |  Mumbai | Rohit Parikh

બૅડ્મિન્ટન રમતી વખતે આકસ્મિક રીતે અંગૂઠો કપાઈ ગયો હતો : મીરાં રોડની હૉસ્પિટલના ડૉક્ટરોની સફળ શસ્ત્રક્રિયા

કપાઈ ગયેલો અંગૂઠો અને શસ્ત્રક્રિયા બાદ જોડાયેલો અંગૂઠો.

પાલઘર જિલ્લાના બોઇસર ગામના ૧૨ વર્ષના એક છોકરાનો બૅડ્મિન્ટન રમતી વખતે આકસ્મિક રીતે અંગૂઠો કપાઈ ગયો હતો. જોકે મીરાં રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉક્ટરોએ આ છોકરાના અંગૂઠાને છ કલાકની સફળ સર્જરી બાદ જોડી આપતાં છોકરાના પરિવારમાં ખુશાલીનું વાતાવરણ સર્જાયું હતું. 
અમારું તો જાણે વિશ્વ જ તૂટી ગયું હતું, જોકે વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉક્ટરોએ મારા પુત્રના અંગૂઠાને ફરીથી જોડીને તેને સામાન્ય જીવન જીવવા માટે તૈયાર કરી દીધો હતો એમ જણાવીને જે છોકરાનો અંગૂઠો કપાઈ ગયો હતો તેના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો સાતમા ધોરણમાં ભણતો દીકરો તેના મિત્રો સાથે અમારા બિલ્ડિંગની નજીક જ બૅડ્મિન્ટન રમવા ગયો હતો. એ સમયે નજીકમાં આવેલાં વૃક્ષોને દૂર કરવા જતાં તેના જમણા હાથનો અંગૂઠો વાયરમાં ફસાઈ ગયો જતાં સંપૂર્ણ કપાઈ ગયો હતો. તેને જબરી પીડા થતી હતી. મારો દીકરો અને તેના મિત્રો કપાઈ ગયેલા અંગૂઠાની સાથે લોહીલુહાણ હાલતમાં ઘરે દોડી આવ્યા હતા. તે જે બન્યું એ અમને સમજાવવામાં પણ અસમર્થ હતો. અમારા ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પહેલાં તો અમે અંગૂઠાને પ્લાસ્ટિક થેલીમાં અકબંધ મૂકીને એને બરફના પૅકમાં મૂકી દીધો હતો.’ 
ત્યાર પછી અમારા ફૅમિલી ડૉક્ટરે મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનો સંપર્ક કરીને અમને મારા પુત્ર સાથે ત્યાં મોકલી દીધા હતા એમ જણાવીને છોકરાના પિતાએ કહ્યું હતું કે ‘ત્યાંના પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રક્ટિવ માઇક્રોસર્જ્યન ડૉ. સુશીલ નેહિતે અને ડૉ. લીના જૈને  છ કલાકની જહેમત પછી મારા પુત્રના કપાઈ ગયેલા અંગૂઠાને જોડવામાં સફળતા મેળવી હતી.’ 
આવા કિસ્સાઓમાં સમય બહુ મહત્ત્વનો બની જતો હોય છે અને અમારી સફળતા પાછળનું મુખ્ય કારણ એ હતું કે એ દરદીના પરિવારે અંગૂઠાને સાવધાનીપૂર્વક સાચવીને સાડાત્રણ કલાકમાં હૉસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો એમ જણાવીને ડૉ. સુશીલ નેહિતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ‘દરદીનો કેસ કોઈ અલગ ઘટના નથી. આવું ઘણા યુવાનો સાથે બનતું હોય છે, પરંતુ જે લોકો કપાઈ ગયેલા ભાગને સાચવીને અમારા સુધી પહોંચાડે છે એમની શસ્ત્રક્રિયા કરવી સરળ બની જતી હોય છે. આ કેસમાં અમે દરદીની ઍન્ટિજન ટેસ્ટ કરીને શસ્ત્રક્રિયા શરૂ કરી હતી. અકસ્માત પછી ચારથી છ કલાકમાં કરવામાં આવેલી શસ્ત્રક્રિયા સફળતાના ચાન્સિસ વધારી દેતી હોય છે. એમાં વિલંબ થતાં નબળાં પરિણામો આવી શકે છે, કારણ કે જે ભાગ કપાઈ ગયો હોય છે એના કોષો ડેડ થઈ જતા હોય છે. રીપ્લાન્ટેશનની શસ્ત્રક્રિયા એક જાણીતી પ્રક્રિયા છે અને એ કોઈ પણ વયની વ્યક્તિ પર થઈ શકે છે.’ 
અકસ્માતનો બનાવ ૨૮ મેએ બન્યો હતો અને અમે ૨૯ મેએ સર્જરી શરૂ કરી હતી એમ જણાવીને ડૉ. લીના જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ સર્જરી મધરાતે કરી હતી. આ શસ્ત્રક્રિયા અમે ઑપરેટિંગ માઇક્રોસ્કોપથી કરી હતી જે ફક્ત વૉકહાર્ટ હૉસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. અંગૂઠાની દરેકેદરેક રચનાનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ શસ્ત્રક્રિયા મહત્તમ હદ સુધી અંગૂઠાના સામાન્ય સ્વરૂપ અને કાર્યને પુનર્સ્થાપિત કરવાની હતી જેમાં અમે છ કલાક બાદ સફળતા મેળવી હતી.’  

Mumbai mumbai news rohit parikh