સજાને બદલે મળી સોગાત

03 April, 2024 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલેક્ટરે સુપરત કરેલા રિપોર્ટમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહેવામાં આવ્યું હતું, પણ પ્રશાસને મોટા ભાગના દોષી અધિકારીઓને પ્રમોશન આપી દીધું હોવાનું હવે બહાર આવ્યું છે

વિજયવલ્લભ હૉસ્પિટલમાં ૧૬ નિર્દોષ દરદીઓએ આગમાં જીવ ગુમાવ્યો હોવાની ઘટનાનો અહેવાલ ૩ વર્ષ બાદ સામે આવ્યો.

વિરાર-વેસ્ટમાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવેલી વિજયવલ્લભ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ૨૦૨૧ની ૨૩ એપ્રિલની મધરાત બાદ ૩.૧૩ વાગ્યે આગ લાગી હતી. આ આગમાં ગૂંગળામણને કારણે ૧૬ દરદીઓનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ એની તપાસ માટે પાલઘર કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે એક મહિનાના સમયગાળાની અંદર રાજ્ય સરકારને પોતાનો તપાસ-અહેવાલ સુપરત કર્યો હતો. અહેવાલમાં હૉસ્પિટલ મૅનેજમેન્ટ સહિત સરકારી અધિકારીઓને પણ બેદરકારી દાખવવા બદલ અને તેમણે તેમની ફરજ યોગ્ય રીતે ન બજાવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને તેમની સામે પગલાં લેવા જણાવ્યું હતું. જોકે અધિકારીઓ સામે પગલાં તો નહોતાં લેવાયાં અને ઊલટાનું તેમને પ્રમોશન આપી બદલી આપી દેવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે. આમ વસઈ-વિરાર પાલિકાનું વલણ તેમના અધિકારીઓને છાવરવાનું હોવાનું જણાતાં હવે પ્રહાર જનશક્તિ પક્ષના વિરારના અધ્યક્ષ હિતેશ જાધવે આ સંદર્ભે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમી એના દ્વારા તપાસ કરાવવાની અને દોષી અધિકારીઓની સામે પગલાં લેવાની માગણી કરી છે.

આ અહેવાલ પ્રમાણે આ આગની ઘટનામાં હૉસ્પિટલ મૅનેજમેન્ટ જેટલું જવાબદાર છે એટલા જ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર (ફાયર ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ), ઍડિશનલ કમિશનર (મેડિકલ હેલ્થ ઍન્ડ ઇલેક્ટ્રિસિટી), ઝોનલ ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી કમિશનર (હેલ્થ), ડેપ્યુટી કમિશનર (વીજળી), વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર 
(ફાયર) જવાબદાર હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

mumbai news mumbai vasai virar city municipal corporation brihanmumbai municipal corporation