11 May, 2024 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોર્ટના ચુકાદાની પ્રતીકાત્મક તસવીર
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક અને ડાબેરી વિચારધારામાં માનતા ડૉ. નરેન્દ્ર દાભોલકરની ૧૧ વર્ષ પહેલાં પુણેમાં ફાયરિંગ કરીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલામાં પુણેની સ્પેશ્યલ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ પી. પી. જાધવે ગઈ કાલે ચુકાદો આપ્યો હતો, જેમાં શૂટર સચિન અંદુરે અને શરદ કળસકરને આજીવન કારાવાસની સજા કરવાની સાથે પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો; જ્યારે હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા સનાતન સંસ્થાના ડૉ. વીરેન્દ્ર તાવડે, ઍડ્વોકેટ સંજીવ પુનાળેકર અને વિક્રમ ભાવેને નિર્દોષ જાહેર કર્યા હતા. ડૉ. નરેન્દ્ર દાભોલકરની ૨૦૧૩ની ૨૦ ઑગસ્ટે પુણેમાં ઓમકારેશ્વર બ્રિજ પાસે મૉર્નિંગ વૉક કરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા સચિન અંદુરે અને શરદ કળસકરે ફાયરિંગ કરીને હત્યા કરી હતી.
ડૉ. નરેન્દ્ર દાભોલકર અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરી રહ્યા હતા એનો વિરોધ હોવાથી આરોપીઓએ આ હત્યા કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ પહેલાં પુણે પોલીસ અને ૨૦૧૪ બાદથી બૉમ્બે હાઈ કોર્ટના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી હતી. એ પછી ૨૦૧૬માં હિન્દુ દક્ષિણપંથી સંગઠન સનાતન સંસ્થા સાથે સંકળાયેલા સર્જ્યન ડૉ. વીરેન્દ્ર તાવડે, ઍડ્વોકેટ સંજીવ પુનાળેકર અને વિક્રમ ભાવે ઉપરાંત દોષી ઠેરવવામાં આવેલા બન્ને શૂટરની ધરપકડ કરવામાં આવી હતી.
ભગવો આતંકવાદ સ્થાપિત કરવાનું કાવતરું નિષ્ફળ : સનાતન સંસ્થા
સનાતન સંસ્થાએ આ ચુકાદા સંબંધી નિવેદન ગઈ કાલે જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા પ્રકરણમાં ભગવો આતંકવાદ સ્થાપિત કરવાનું અર્બન નક્સલીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે. હિન્દુત્વવાદી કાર્યકરો સચિન અંદુરે અને શરદ કળસકર પ્રત્યક્ષ રીતે સનાતન સંસ્થા સાથે જોડાયેલા ન હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના આ કેસના આરોપનામામાં તપાસયંત્રણાએ ભૂમિકા બદલી હતી. સનાતન સંસ્થાના વિનય પવાર અને સારંગ અકોલકરને હુમલો કરનારા દર્શાવાયા હતા. એ પહેલાં જેમની પાસેથી પિસ્ટલ મળી આવી હતી એ મનીષ નાગોરી અને વિકાસ ખંડેલવાને ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી. તપાસમાં બાદમાં ફાયરિંગ સચિન અંદુરે અને શરદ કળસકરે કર્યું હોવાનું જણાવાયું હતું. આ બન્નેને સ્પેશ્યલ કોર્ટે સજા કરી છે, પણ ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારીને તેમને પણ નિર્દોષ મુક્ત કરાવીશું.’