૨૦ ગટરોનાં ઢાંકણાં ખોલાવ્યાં, ૫૭,૦૦૦ રૂપિયા પાછા મેળવ્યા

03 September, 2024 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCના એક ઓફિસરે લાંચના ૬૦,૦૦૦ રૂપિયા પોતાના ઘરના ટૉઇલેટમાં ફ્લશ કરી દીધા, પણ ઍન્ટિ-કરપ્શન બ્યુરોના અધિકારીઓ પણ ગાંજ્યા જાય એવા નહોતા

ગટરમાંથી શોધાવવામાં આવેલી નોટો.

બોરીવલીમાં એક હોટેલ માટે પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)ના કનેક્શન માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઑફિસરે ૬૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી અને એની ફરિયાદ થતાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ તેને પકડવા છટકું પણ ગોઠવ્યું હતું, પણ ચાલાક ઑફિસરને એની ગંધ આવી જતાં લાંચની રકમ ટૉઇલેટમાં ફ્લશ કરી દીધી હતી. જોકે ACBના ઑફિસર્સ પણ ગાંજ્યા જાય એમ નહોતા. તેમણે ટૉઇલેટમાં ફ્લશ કરી દેવાયેલી લાંચની રકમ ગટરમાંથી શોધી ૫૭,૦૦૦ રૂપિયા પાછા મેળવ્યા હતા.

બોરીવલીની એક રેસ્ટોરાંએ એના સરકારી કામ કરવા માટે એક કંપનીને અપૉઇન્ટ કરી હતી જેના ઑફિસરે BMCમાંથી PNG માટે નો ઑબ્જેકશન સર્ટિફિકેટ લેવાની પ્રોસીજર ચાલુ કરી હતી અને એ માટે ઑનલાઇન અપ્લાય પણ કર્યું હતું. ત્યાર બાદ દહિસર લિન્ક રોડ પર આવેલી BMCની ઑફિસમાં જઈને એ માટે BMCના ઑફિસર પ્રહ્‍‍લાદ શિતોળેને મળતાં તેણે તેની પાસે ૧.૩૦ લાખ રૂપિયાની લાંચ માગી હતી. પ્રહ્‍‍લાદ શિતોળે એ જ ઑફિસ બિલ્ડિંગમાં ચોથા માળે રહે છે. જોકે તેણે એ ફિગર મોઢેથી ન કહેતાં કૅલ્ક્યુલેટર પર લખીને બતાવ્યો હતો, પરંતુ રેસ્ટોરાંના પ્રતિનિધિએ આટલા રૂપિયા આપવા માટે તૈયારી ન દાખવી ત્યારે તેણે લાંચની રકમ ઘટાડીને કૅલ્ક્યુલેટર પર ૮૦,૦૦૦ લખીને બતાડી હતી. જોકે એ વખતે તો કંપનીનો ઑફિસર નીકળી ગયો. બુધવારે ફરી જ્યારે તે પ્રહ્‍‍લાદ શિતોળેને મળવા ગયો ત્યારે તેણે લાંચની રકમ વધુ ઘટાડીને ૫૦,૦૦૦ની ઉપર કંઈ પણ આપવા કહ્યું હતું.

જોકે રેસ્ટોરાંવાળાની લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેણે આ બાબતે વરલી ACBમાં ફરિયાદ કરી હતી અને ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યાર બાદ લાંચમાં આપવાની નોટોના સિરિયલ નંબર નોંધી લેવાયા હતા અને એના પર ખાસ પાઉડર લગાડી દેવાયો હતો. શુક્રવારે જ્યારે રેસ્ટોરાંનો પ્રતિનિધિ શિતોળેને મળી લાંચ આપવા ગયો ત્યારે ચાલાક પ્રહ્‍‍લાદે તેને ગ્રાઉન્ડ ફ્લોર પર બોલાવ્યો હતો અને ત્યાર બાદ લિફ્ટમાં તેની પાસેથી લાંચની ૬૦,૦૦૦ની રકમ સ્વીકારી હતી. ACBના ઑફિસરો તેની ઑફિસની આજુબાજુ ગોઠવાયા હતા, પણ બિલ્ડિંગમાં અજાણ્યા લોકોની અવરજવર જોતાં શિતોળેને ગંધ આવી ગઈ હતી અને તે સીધો જ પોતાના ચોથા માળના ઘરે પહોંચી ગયો હતો અને પકડાઈ ન જવાય એ માટે લાંચની રકમ ટૉઇલેટમાં ફ્લશ કરીને વહાવી દીધી હતી.

ACBના ઑફિસરોએ તેના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો તો લાંબા સમય સુધી તેણે દરવાજો ખોલ્યો નહોતો. જોકે એ પછી દરવાજો ખોલતાં ACBના ઑફિસરોએ તેને ઝડપી લીધો હતો. તેના હાથ અને શર્ટ પરથી અને મેઇન દરવાજાના નૉબ પરથી નોટો પર લગાડેલો પાઉડર મળી આવ્યો હતો જેને હવે પુરાવા તરીકે રજૂ કરાશે. તેની પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. જોકે લાંચની રકમ તેણે ટૉઇલેટમાં ફ્લશ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.  

એ પછી ACBના ઑફિસરોએ બિલ્ડિંગની સેપ્ટિક ટૅન્ક ખોલાવી એમાં માણસને ઉતારી લાંચની ૬૦,૦૦૦ની રકમ શોધવાની કવાયત આદરી હતી એટલું જ નહીં, એ રકમ મેળવવા ૨૦ જેટલાં ગટરોનાં ઢાંકણાં ખોલીને તપાસ કરવામાં આવી હતી.  આખરે એમાંથી તેમને ૫૭,૦૦૦ રૂપિયા મળી પણ આવ્યા હતા. 

mumbai news mumbai brihanmumbai municipal corporation Crime News mumbai crime news borivali mumbai police