01 August, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં જય શાસ્ત્રીનગરમાં રહેતા ૬ વર્ષના અર્ણવ ભંડારીનું MSEDCL એટલે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ખુલ્લા વાયરના સંપર્કમાં આવતાં વીજ-કરન્ટ લાગવાથી ૨૦૨૩ની ૨૯ ઑક્ટોબરે મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં મુલુંડ પોલીસે પ્રાથમિક તપાસ કર્યા પછી MSEDCLના બે અધિકારીઓ સહિત તેની આસપાસમાં રહેતા છ લોકો સામે મંગળવારે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. MSEDCL અને પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે અર્ણવના ઘરની નજીકમાં રહેતા છ લોકોએ પોતાના ઘરમાં જે વીજ-કનેક્શન લીધું હતું એના વાયરો જમીન પર છોડી દીધા હતા. આ વાયરમાંથી કરન્ટ લાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
અર્ણવ પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો એમ જણાવીને નીલેશ ભંડારીએ વધુમાં કહ્યું હતું કે ‘૨૯ ઑક્ટોબરે તેને સ્કૂલમાં રજા હોવાથી ઘરે જ હતો. અમારા ઘરની બાજુમાં એક બીમાર બિલાડીનું બચ્ચું હતું. ઘટનાના દિવસે તે સવારથી એની કાળજી રાખી રહ્યો હતો. જોકે સાંજે એકાએક બિલાડીનું બચ્ચું અમારા ઘરની નજીક ઇલેક્ટ્રિક બૉક્સ પાસે દોડ્યું હતું અને અર્ણવ એની પાછળ જઈને એને બચાવવા માગતો હતો. ત્યારે તે ઇલેક્ટ્રિક બૉક્સ નજીક રહેલા ખુલ્લા વાયરો સાથે અટવાઈ જવાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.’
આ ઘટનામાં MSEDCLના અસિસ્ટન્ટ એન્જિનિયર ગોકુલ પવાર સહિત સર્વોદયનગરના એન્જિનિયર રાજેન્દ્ર સાળવેની બેદરકારી સામે આવતાં તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં MSEDCLના અધિકારીઓની ભૂલ એ હતી કે તેઓ નિયમિત દેખરેખ માટે જયશાસ્ત્રીનગરમાં આવ્યા નહોતા. અહીં ખુલ્લા વાયરો મૃત્યુ પામનાર અર્ણવની બાજુમાં રહેતા સચિન બોરડે, સોપાન બોરડે, અર્જુન બોરડે અને જનાબાઈ સોનવણેએ નાખ્યા હતા જેને કારણે અર્ણવ રમતી વખતે ખુલ્લા વાયરને અડકવાથી વીજ-કરન્ટ લાગવાથી મૃત્યુ પામ્યો હતો. આ તમામ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’
મારા દીકરાના મૃત્યુ પછી મારું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મારી પત્નીને માનસિક પરેશાની થઈ ગઈ હોવાથી તે છેલ્લા ચાર મહિનાથી તેની મમ્મીના ઘરે છે. હું નોકરી છોડીને મારા મોટા દીકરાની સંભાળ લઈ રહ્યો છું. જે ઘરની બાજુમાં મારા દીકરાનું મૃત્યુ થયું હતું ત્યાં અમને તેની બહુ જ યાદ સતાવતી હોવાથી એ ઘર પણ બદલીને બીજી જગ્યાએ રહેવા આવી ગયો છું. મારા દીકરાના મૃત્યુને ન્યાય મળવા માટે નવ મહિના લાગ્યા. હવે બસ પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરે એવી મારી માગણી છે. - અર્ણવના પિતા નીલેશ ભંડારી