૧૦ વર્ષના તમારા સહયોગને કારણે મહારાષ્ટ્ર ફરી નંબર વન રાજ્ય બન્યું છે

13 December, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપની આગેવાની અને માર્ગદર્શનમાં હવે વિકાસના આ પ્રવાસને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ’

ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભેટ આપતા નરેન્દ્ર મોદી.

મહારાષ્ટ્રની મહાયુતિની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસે પાંચમી ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે પણ નાયબ મુખ્ય પ્રધાનો તરીકે શપથ લીધા હતા એને સાત દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં નથી આવ્યું. મહાયુતિમાં કોને કેટલાં ખાતાં આપવાં અને નેતાઓનાં નામ ફાઇનલ કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બે દિવસથી દિલ્હીમાં છે. તેમણે બુધવારે રાત્રે અમિત શાહ અને ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘બહુમૂલ્ય સમય, માર્ગદર્શન, આશીર્વાદ અને મહારાષ્ટ્ર સાથે મજબૂતીથી ઊભા રહેવા માટે હું વડા પ્રધાનનો આભારી છું. તમને જોઈને મારા જેવા પક્ષના કરોડો કાર્યકરો વધુ મહેનત કરવા પ્રેરિત થાય છે. ૧૦ વર્ષમાં આપના સહયોગથી મહારાષ્ટ્ર તમામ ક્ષેત્રે ફરી નંબર વન રાજ્ય બન્યું છે. આપની આગેવાની અને માર્ગદર્શનમાં હવે વિકાસના આ પ્રવાસને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ’

દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પ્રફુલ પટેલ સહિતના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસના નેતાઓએ પણ ગઈ કાલે અમિત શાહની મુલાકાત કરી હતી. જોકે આ સમયે રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હી નહોતા ગયા. તેઓ પ્રધાનમંડળમાં ગૃહખાતાને લઈને નારાજ હોવાનું કહેવાય છે. ગઈ કાલે સાંજે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એકનાથ શિંદેની મુલાકાત કરીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મુલાકાતો બાદ મહારાષ્ટ્ર સરકારનું પ્રધાનમંડળ મોટા ભાગે ફાઇનલ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

mumbai news mumbai maharashtra news devendra fadnavis narendra modi bharatiya janata party new delhi