06 November, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં કાર પર બેસીને ફટાકડા ફોડી રહેલા યુવાનો
થાણેના માનપાડા નજીક રવિવારે કેટલાક યુવકોએ કાયદો-વ્યવસ્થાને બાજુએ મૂકી બેફામ બનીને જાહેર રસ્તા પર લોકોનો જીવ જોખમમાં મુકાય એ રીતે ફટાકડા ફોડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં બેફામ યુવાનો કારની છત પર બેસીને ફટાકડા ફોડતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયા બાદ થાણેની ચિતલસર પોલીસે સોમવારે ફરિયાદ નોંધીને કારચાલકોને નોટિસ મોકલી છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોની માહિતી મળતાં અમે કારચાલક સહિત કારની છત પર બેસીને ફટાકડા ફોડનાર સામે ફરિયાદ નોંધી છે એમ જણાવતાં ચિતલસર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રશાંત સાંગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવી રીતનું કૃત્ય કરીને આરોપીઓએ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. વાઇરલ વિડિયોમાં બે યુવાનો ચાલુ કારની છત પર બેસી હાથમાં ફટાકડાનું બૉક્સ રાખીને એ ફોડતા જોવા મળ્યા હતા. આરોપીઓ સામે મોટર વેહિકલ ઍક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં કારચાલકોને અમે નોટિસ મોકલી છે. કાર પર બેસેલા યુવાનોની ઓળખ કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ.