26 October, 2023 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેટ્રો-૪ લાઈનના બાંધકામની ફાઇલ તસવીર
ઘોડબંદરના કાસરવડાવલી વિસ્તારમાં મેટ્રો લાઇન (Mumbai Metro) પર બીમ લગાવવાનું કામ શરૂ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ જ કામકાજને કારણે ટ્રાફિકને લઈને કેટલાક અપડેટ સામે આવ્યા છે. મેટ્રો લાઇનની કામગીરી માટે સોમવારની મધરાતથી ટ્રાફિકમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે અને તે મુજબ આ રોડ પરનો ટ્રાફિક વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિકમાં આ ફેરફાર 30 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
થાણે શહેર (Thane) અને ઘોડબંદર વિસ્તારમાં મેટ્રો-૪ લાઇન વડાલા-ઘાટકોપર-કાસરવડાવલીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત કાસરવડાવલીથી વેદાંત હોસ્પિટલ સુધીના વિસ્તારમાં મેટ્રો લાઇનના થાંભલાઓ પર `U` આકારના બીમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્ય દરમિયાન ટ્રાફિક જામ અથવા કોઈપણ પ્રકારના અકસ્માતો ન થાય તે માટે થાણે ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે.
ઘોડબંદરથી થાણે (Thane) તરફ કાસરવડાવલીથી વેદાંત હોસ્પિટલ વિસ્તાર સુધી ભારે ટ્રાફિક માટે વન-વે લેન ખુલ્લી રહેશે. જ્યારે હળવા વાહનો સેવા રોડ પર આવેલી ઓસ્કાર હોસ્પિટલ નજીકથી કાસરવડાવલી સિગ્નલ સુધી અથવા સેવા રોડ પરના પેટ્રોલ પંપથી વેદાંત હોસ્પિટલ સુધી મુખ્ય માર્ગ પર દોડશે. ટ્રાફિકમાં આ ફેરફારો 30 ઓક્ટોબર સુધી સવારે 12:00થી સવારે 5:00 વાગ્યા સુધી અમલમાં મૂકવામાં આવશે.
મુંબઈથી થાણે (Thane)ને જોડતી મેટ્રો લાઈન-4 અને 4A પર કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. આ લાઇનમાં વડાલા અને થાણે કાસરવડવલી-ગાયમુખ વચ્ચે ચાલતા મેટ્રો સ્ટેશનો તૈયાર થવા લાગ્યા છે. મુંબઈ મેટ્રોમાં કુલ 14 લાઈનો છે જેમાં રેડ, બ્લુ, ઓરેન્જ, પર્પલ અને મેજેન્ટા લાઈન વગેરેનો સમાવેશ થાય છે.
મેટ્રો લાઇન-4A પર પ્રથમ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગોનીવાડા સ્ટેશન માટે કોન્કોર્સ પિયર આર્મ બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે 2006માં મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનો અમલ શરૂ કર્યો હતો.
થાણે (Thane)ની આ મેટ્રો લાઇન 4 પર કામ ઓક્ટોબર 2018માં શરૂ થયું હતું જ્યારે લાઇન 5 પર કામ ડિસેમ્બર 2017થી ચાલી રહ્યું છે. મેટ્રો લાઇન 4 અને 5 કપૂરબાવડી ક્રોસ કરશે. તમને જણાવી દઈએ કે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મુંબઈ મેટ્રોનો સમગ્ર ભૂગર્ભ તબક્કો મુંબઈ મેટ્રો લાઇન 3, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) દ્વારા સંચાલિત છે.
આ બંને મેટ્રો લાઈનો પૂર્ણ થયા બાદ 2031 સુધીમાં 15 લાખથી વધુ લોકોને બંને લાઈનો પર એક સાથે મુસાફરી કરવાની સુવિધાનો લાભ મળશે. મુંબઈ મેટ્રો મહારાષ્ટ્ર સરકારનો મહત્વાકાંક્ષી ઇન્ફ્રા પ્રોજેક્ટ છે.