23 January, 2023 06:54 AM IST | Mumbai | Mehul Jethva
કાઉન્સેલિંગમાં આવેલા લોકોને સીસીટીવી કૅમેરાનું ફુટેજ બતાવી રહેલા ડેપ્યુટી પોલીસ કમિશનર વિનય રાઠોડ
આ અનોખી ઝુંબેશ શરૂ કરી છે થાણે પોલીસે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા લોકોનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ દેખાડીને હેલ્મેટ અને સીટ-બેલ્ટ પહેરવાનું મહત્ત્વ સમજાવવાની કરી પહેલ. અમુક યુવકોએ તો હૃદયને હચમચાવી નાખનારાં આ દૃશ્યો જોઈને સોગંદ લીધા કે હવે હેલ્મેટ કે સીટ-બેલ્ટ વગર ડ્રાઇવિંગ નહીં કરીએ
મુંબઈ : થાણેના માજીવાડા નજીક હાઇવે પર પૂરપાટ જઈ રહેલી કાર એક ટ્રકને અથડાઈ હતી, જેમાં સીટ-બેલ્ટ ન પહેર્યો હોવાથી કાર ચલાવતી વ્યક્તિ કારમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એ દરમ્યાન બાજુમાંથી પસાર થતી બસ તેના માથા પરથી ફરી વળતાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આવા ઉદાહરણ સાથે થાણેની ટ્રાફિક પોલીસે ૧૫૦ ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા લોકોનાં માતા-પિતાને બોલાવીને તેમને સીસીટીવી કૅમેરાનાં કેટલાંક ફુટેજ બતાવ્યાં હતાં, જેમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટ ન પહેરવાને કારણે થયેલા અકસ્માતમાં લોકોનાં મૃત્યુ થયાં હતાં. જો તમે તમારા બાળકના કિસ્સામાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું પુનરાવર્તન ન કરવા માગતા હો તો તેને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહો એવો સંદેશ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનું ભંગ કરનારા લોકોના વાલીઓને આપવામાં આવ્યો હતો.
થાણેની ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે ગયા અઠવાડિયે અનોખી રીતે બાઈકરો અને કાર ડ્રાઇવ કરનારાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. એમાં કાર્યવાહી કરવાને બદલે નિયમો તોડનારા યુવાનો પાસેથી તેમનાં માતા-પિતાના નંબર લઈને તેમને ઘોડબંદર રોડ પર મંથન હૉલમાં આમંત્રિત કર્યા હતા. ત્યાં તેમને થાણેની આસપાસના વિસ્તારમાં થયેલા રોડ-અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ બતાવવામાં આવ્યાં હતાં, જેમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટનું મહત્ત્વ કેટલું છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વાહનચાલકે નિયમોનું પાલન કરવાની જરૂર છે અને એના પર આંખ આડા કાન કરશો તો શું પરિણામ આવશે એનાથી તેમને વાકેફ કરવામાં આવ્યા હતા. આ ફુટેજ જોઈને કેટલાક વાલીઓ ત્યાં જ ઢીલા પડી ગયા હતા. તેમને જોઈને વાહન ચલાવતા યુવકોએ સોગંદ લીધા હતા કે તેઓ હવે કોઈ દિવસ હેલ્મેટ અને સીટ-બેલ્ટ વગર વાહન નહીં ચલાવે.
થાણે પોલીસના ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. વિનય રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા એક અઠવાડિયામાં અમારા કમિશનરેટમાં આવતા તમામ ટ્રાફિક વિભાગના અધિકારીઓએ કેટલાક લોકોને હેલ્મેટ અને સીટ-બેલ્ટ ન પહેરવા બદલ પકડ્યા હતા. એમાં તેમના પર કોઈ કાર્યવાહી ન કરતાં તેમનાં માતા-પિતા સાથે તેમને કાઉન્સિલિંગ માટે આવવા અમે આમંત્રિત કર્યા હતા. ત્યાં તેમને કેટલાક એવા વિડિયો બતાવવામાં આવ્યા હતા જેમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટ વગર લોકો અકસ્માતનો શિકાર થયા હતા. એની સાથે ટ્રાફિકના નિયમોનો અમલ કરવાનું મહત્ત્વ તેમને સમજાવ્યું હતું. એનાથી કેટલાક વાલીઓ પ્રભાવિત થયા હતા અને હવેથી તેઓ પણ બધાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપશે એવું કહ્યું હતું.’
થાણેના ટ્રાફિક વિભાગનાં અસિસ્ટન્ટ પોલીસ કમિશનર કવિતા ગાવિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી અંદર આવતી નવ ટ્રાફિક-ચોકીમાં ટીનેજર અને તેમનાથી થોડા મોટા લોકો જેમણે નિયમનું પાલન કર્યું નહોતું તેમના પર કાર્યવાહી ન કરતાં તેમને સમજ આપવામાં આવી હતી. સીટ-બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે એ મેસેજ અમે બીજા લોકોને પહોંચાડવા માટે પણ તેમને અપીલ કરી છે. અમારા દ્વારા બીજા પણ આવા અનેક પ્રયાસો કરવામાં આવશે.’
આ કાઉન્સેલિંગમાં આવેલા અનિકેત સાળવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને કાસરવડવલી નજીક ટ્રાફિક અધિકારીએ ગયા અઠવાડિયે અટકાવ્યો હતો. ત્યારે મારી પાસે લાઇસન્સ અને હેલ્મેટ બન્ને નહોતાં. તેમણે મને ફાઇન ન કરતાં કાઉન્સેલિંગ માટે મારા પેરન્ટ્સ સાથે બોલાવ્યો હતો. ત્યાં અકસ્માતના વિડિયો બતાવીને હેલ્મેટનું મહત્ત્વ અમને સમજાવ્યું હતું. એ વિડિયો જોઈને મારા પિતાની આંખમાં આંસુ આવ્યાં હતાં જે જોઈને મેં અને મારી સાથે આવેલા કેટલાક લોકોએ સોગંદ લીધા હતા કે હવે કોઈ દિવસ ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વગર વાહન નહીં ચલાવીએ.’