29 October, 2024 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણે સ્ટેશન પર ગઈ કાલે બપોરે ૧૨.૦૨ વાગ્યે પ્લૅટફૉર્મ નંબર એક પર એક નધણિયાતી બૅગ પડી હોવાની માહિતી મળી.
થાણે સ્ટેશન પર ગઈ કાલે બપોરે ૧૨.૦૨ વાગ્યે પ્લૅટફૉર્મ નંબર એક પર એક નધણિયાતી બૅગ પડી હોવાની માહિતી થાણે રેલવે-પોલીસને મળતાં તરત જ એ જગ્યા પોલીસ-કર્મચારીઓએ કૉર્ડન કરી લીધી હતી. હાલ આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે અને થોડા વખતથી પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ફરિયાદો અવારનવાર મળી રહી હોવાથી કોઈ પણ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
આ બાબતની જાણ થતાં જ થાણે રેલવે-પોલીસ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ, થાણે ક્રાઇમ બ્રાન્ચ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ, તેમના સ્નિફર ડૉગની ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ પહોંચી ગઈ હતી. સ્નિફર ડૉગ દ્વારા ચકાસણી કર્યા બાદ મેટલ ડિટેક્ટરથી તપાસ કરાઈ હતી. આખરે એ બૅગમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું. જોકે એ પછી જાહેર કરવામાં આવ્યું હતું કે તપાસ યંત્રણાઓ કટોકટીને પહોંચી વળવા કેટલી સાબદી છે એ ચેક કરવા આ મૉક-ડ્રિલ રાખવામાં આવી હતી.