08 January, 2025 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે-વેસ્ટમાં રામમારુતિ રોડ પર રહેતા ગુજરાતી સિનિયર સિટિઝન અને તેમના ૬૧ વર્ષના ભત્રીજાને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને ૩૦,૪૧,૪૫૭ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નૌપાડા પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાઈ હતી. પાંચથી ૨૫ ડિસેમ્બર સુધીના ૨૦ દિવસમાં તમારા બૅન્ક-ખાતામાં મની-લૉન્ડરિંગના પૈસા જમા થયા છે, તમારા ઘરની બહાર કૅમેરા લગાવવામાં આવ્યા છે અને તમારા પર અમુક લોકો નજર રાખી રહ્યા છે એમ કહીને ડિજિટલ અરેસ્ટની ધમકી સાઇબર ગઠિયાઓએ આપી હતી. એનાથી બચવા તેમણે પોતાના ભત્રીજાને આ ઘટનાની માહિતી આપી હતી. જોકે સાઇબર ગઠિયાઓએ તેમને પણ ધમકાવીને પૈસા પડાવી લીધા હતા.
ડિજિટલ અરેસ્ટનો સિલસિલો ૨૦ દિવસ સુધી ચાલ્યો હતો એમ જણાવતાં નૌપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમી ડિસેમ્બરે બપોરે ૮૩ વર્ષના સિનિયર સિટિઝનને વૉટ્સઍપ પર એક યુવાનનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ દિલ્હીથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારી તરીકે આપી તમારા બૅન્ક-ખાતામાં મની લૉન્ડરિંગના પૈસા હોવાની માહિતી અમને મળી છે એમ જણાવી તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે એમ કહ્યું હતું. ઉપરાંત તેણે CBIના નામે ડિજિટલ અરેસ્ટની નોટિસ પણ મોકલી હતી. ફોન કરનાર યુવાને કહ્યું હતું કે તમારા ઘરની બહાર કૅમેરા લગાવવામાં આવ્યા છે તથા તમારા ઘરની બહાર અમારા માણસો તમારા પર નજર રાખી રહ્યા છે. આમ કહીને કોઈને પણ આ વાતની જાણ કરવાની મનાઈ કરવામાં આવી હતી. એ પછી ફોન કરનાર યુવાને સિનિયર સિટિઝન પાસેથી તેમના બૅન્ક-ખાતાની વિગતો જાણીને ઇન્વેસ્ટમેન્ટ કરેલા અકાઉન્ટ વિશે પણ માહિતી મેળવી હતી. આ વચ્ચે સિનિયર સિટિઝન ગભરાઈ જવાથી પોતાની સાથે રહેતા ભત્રીજાને આની જાણ કરી હતી. એટલે સાઇબર ગઠિયા સાથે ભત્રીજાએ વાત કરી તો તેને પણ એ જ રીતે ધમકાવીને બન્નેનાં બૅન્ક-ખાતાંમાંથી પાંચથી ૨૫ ડિસેમ્બર સુધીમાં ૩૦,૪૧,૪૫૭ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સાઇબર ગઠિયાઓએ બન્નેને પ્રૉમિસ કર્યું હતું કે તમારી તમામ રકમ તપાસ થયા બાદ પાછી મોકલી આપવામાં આવશે. જોકે ૧૦ દિવસ સુધી પણ કોઈ રકમ પાછી ન મળતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની ખાતરી થવાથી આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’