થાણેના કચ્છી સિનિયર સિટિઝનને ડોમ્બિવલી સ્ટેશનના ટૉઇલેટમાં હાર્ટ-અટૅક, જીવ ગયો

23 July, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટના રવિવારે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યા દરમ્યાન બની હતી

હીરજીભાઈ ખીમજીભાઈ નિસર

થાણે-વેસ્ટમાં ચરઈ ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા ૮૬ વર્ષના હીરજીભાઈ ખીમજીભાઈ નિસર રવિવારે સાંજે થાણેથી ડોમ્બિવલી ગયા હતા. જોકે તેમની સાથેના સંબંધી આગળ-પાછળ થઈ જતાં તેઓ એકલા જ ડોમ્બિવલી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ ડોમ્બિવલી સ્ટેશને ટૉઇલેટ ગયા હતા અને ત્યાં જ તેમને હાર્ટ-અટૅક આવતાં ઢળી પડ્યા હતા. આ ઘટના રવિવારે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યા દરમ્યાન બની હતી.  

મૂળ કચ્છના વડાલા ગામના હીરજીભાઈનાં પુત્રી જિજ્ઞાબહેને આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘પપ્પા અમારા સંબંધીથી છૂટા પડી ગયાની જાણ થતાં પહેલાં તો થોડો સમય અમે તેમની રાહ જોઈ. ત્યાર બાદ તેમને ફોન કર્યા, પણ તેઓ ફોન ઉપાડી નહોતા રહ્યા. એ પછી અમે તપાસ કરવા ડોમ્બિવલી સ્ટેશન પર પહોંચ્યાં ત્યારે ત્યાં લોકો ભેગા થયેલા જોવા મળ્યા હતા. એથી તપાસ કરતાં ખબર પડી કે પપ્પાને ટૉઇલેટમાં અટૅક આવ્યો હતો. ટૉઇલેટના અટેન્ડન્ટને પણ એની જાણ થોડી વાર બાદ થઈ હતી. તેણે દરવાજો ખખડાવ્યો હતો, પણ પપ્પાએ કંઈ જવાબ નહોતો આપ્યો એટલું જ નહીં, એ જ સમયે તેમના મોબાઇલ પર કોઈનો ફોન પણ આવ્યો હતો અને ફોનની રિંગ વાગતી હોવા છતાં પપ્પા ફોન રિસીવ ન કરતા હોવાથી અટેન્ડન્ટે પોલીસને બોલાવી હતી. ત્યાર બાદ પોલીસે આવીને ટૉઇલેટનો દરવાજો તોડ્યો તો તેઓ અંદર ઢળી પડેલા મળી આવ્યા હતા. તેમનું અટૅક આવવાને લીધે મૃત્યુ થયું હતું. જો આ અટૅકની જાણ તરત જ થઈ હોત તો કદાચ તેમને સારવાર આપી શકાઈ હોત.’ 

thane dombivli kutchi community mumbai mumbai news