ટ્રાફિકથી બચવા ફરી એક વાર થાણે પોલીસે નાગરિકોને રોડનો ઉપયોગ ન કરવાની અપીલ કરી

17 September, 2022 10:14 AM IST  |  Mumbai | Mehul Jethva

અપીલ કરેલી પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. આ પહેલાં પણ થાણે પોલીસે આવી અપીલ લોકોને કરી હતી.

ગઈ કાલે કુર્લા સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ. સૈયદ સમીર અબેદી

થાણે અને આસપાસના વિસ્તારોમાં ગુરુવાર મધરાતથી ભારે વરસાદ પડ્યો હોવાથી થાણે, ભિવંડી, કલ્યાણ, ડોમ્બિવલી, શીળ ફાટા જેવા મહત્ત્વના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જૅમ થયો હતો એટલે થાણે શહેર પરિવહન વિભાગે ટ્રાફિક સંબંધિત મહત્ત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી હતી, જેમાં આગામી બેથી ત્રણ દિવસ સતત વરસાદને કારણે જો શક્ય હોય તો રોડ-ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાને બદલે ટ્રેનનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. અપીલ કરેલી પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. આ પહેલાં પણ થાણે પોલીસે આવી અપીલ લોકોને કરી હતી.

હાલમાં થાણેના ખારેગાંવ ખાડી બ્રિજ અને સાકેત બ્રિજ પર પડેલી કાંકરીને કારણે વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી અને સતત મુશળધાર વરસાદને કારણે ખાડા તાત્કાલિક પૂરવાનું શક્ય બની રહ્યું નથી જેને કારણે દરરોજ રોડ-ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા તમામ સામાન્ય નાગરિકોએ ટ્રાફિક જૅમનો સામનો કરવો પડી રહ્યો છે. થાણે શહેર ટ્રાફિક વિભાગ આ તકલીફ દૂર કરવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તરત એ કરવું શક્ય નથી. એ માટે થાણે પોલીસે તમામ નાગરિકોને અપીલ કરી રહી છે કે જો તમે હાલમાં રોડ-ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાને બદલે રેલવેનો વિકલ્પ પસંદ કરો તો તમે ટ્રાફિક જૅમમાં ફસાસો નહીં અને તમારો કીમતી સમય અને ઈંધણની પણ બચત થશે.

થાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તાત્રેય કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે રોડ પરના મોટા ખાડાને કારણે થાણેના અનેક રોડ પર ભારે ટ્રાફિક છેલ્લા કેટલાક દિવસથી જોવા મળ્યો છે. હાલમાં પડી રહેલા જોરદાર વરસાદમાં નાગરિકોનાં સમય અને ઈંધણની બચત થાય એ માટે અમે સોશ્યલ મીડિયા પર લોકોને અપીલ કરી છે.

Mumbai mumbai news mehul jethva mumbai traffic