માનવ અને ડૉગી વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા માટે થાણે બીએમસી બનાવશે સંગઠન

29 August, 2023 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો વેટરનરી વિભાગ રખડતાં પ્રાણીઓની નસબંધીનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્રાણીપ્રેમીઓનું એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું છે જે પ્રાણીઓની સારવાર, તેમને માટે ખોરાક પહોંચાડવો તથા પ્રાણીઓ માટે કામ કરે. દરમ્યાન પ્રાણીમિત્રો માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. થાણેના ઘણા વિસ્તારોમાં પશુપ્રેમીઓ જાહેર સ્થળોએ કે સોસાયટીના પરિસરમાં પશુ-પક્ષીઓને અનાજ ખવડાવતા હોય છે, પણ અમુક નાગરિકો એનો વિરોધ કરતા હોય છે. અમુક વાર એ વિવાદનું કારણ ગંભીર બનતું હોય છે. આવા કિસ્સામાં પાલિકાએ હવે આવા પ્રકાર અટકાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો વેટરનરી વિભાગ રખડતાં પ્રાણીઓની નસબંધીનું કામ કરે છે. એ સાથે વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સારવાર કરવા જેવાં કામ પણ આ વિભાગ કરે છે, પરંતુ આ ઝુંબેશ જોઈએ એટલી અસરકારક રીતે અમલમાં આવતી નથી એવી ફરિયાદ ઊઠી છે. બીજી તરફ થાણેમાં છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦થી વધારે રખડતા કૂતરાઓ રસ્તે ચાલતા લોકોને કરડ્યા હોવાની ફરિયાદ આવી છે. રખડતા કૂતરાઓને ફૂડ પૉઇઝનિંગ થયું હોવાની કે તેમને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી તાત્કાલિક વેટરનરી વિભાગ સુધી પહોંચે એ માટે પ્રાણી મિત્ર મંડળની મદદ લેવામાં આવશે. કયા વિસ્તારમાં કેટલાં રખડતાં પ્રાણીઓ છે એની વિસ્તૃત માહિતી પશુપ્રેમીઓ પાસે હોય છે, કારણ કે તેઓ દરરોજ પોતાના વિસ્તારમાં પ્રાણીને અનાજ વગેરે ખવડાવતા હોય છે. તેમની મદદથી રખડતા કૂતરા અને બિલાડાઓને પકડીને તેમની નસબંધી અને રસીકરણ ઝુંબેશ આસાનીથી હાથ ધરી શકાશે. પશુપ્રેમીઓ રખડતાં પ્રાણીઓને ખવડાવ્યા પછી એ વિસ્તારને સાફ કરવામાં પણ મદદ કરી શકશે. એ દરમ્યાન ઘાયલ રખડતાં પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે અને સાથોસાથ લોકો પર હુમલો કરનાર પશુઓને તાત્કાલિક એ વિસ્તારમાંથી હટાવી દેવાય એ માટે પશુમિત્રો ખૂબ મદદરૂપ બની શકે છે.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના પક્ષુ વૈદ્ય અધિકારીએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘પ્રાણીમિત્રોની મદદથી સ્થાનિક વિસ્તારનાં પ્રાણીઓની નોંધણી કરી શકાશે અને સાથે જ કયું પ્રાણી આક્રમક છે એ પણ સમજી શકાશે. આ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને પાલિકાએ પ્રાણીપ્રેમીઓનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં પ્રાણીઓને ખવડાવતા લોકોનો વિરોધ થાય છે. પ્રાણીમિત્રો અમને આવા વિસ્તારના વિરોધની માહિતી આપશે, જેથી વિરોધ કરનાર પાસેથી માહિતી લીધા બાદ વચ્ચેનો માર્ગ કાઢવામાં આવશે.

thane municipal corporation thane mumbai mumbai news