08 June, 2023 10:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુરુવારે લિવ-ઇન-રિલેશનશિપમાં એક મહિલા હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. એક અગ્રણી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર થાણે જિલ્લાના મીરા-ભાયંદર વિસ્તારમાં બુધવારે રાત્રે એક બિલ્ડિંગના સાતમા માળે આવેલા એક ફ્લેટમાંથી અનેક ટુકડા કરી નાખવામાં આવેલી એક મહિલાની લાશ મળી આવી હતી.
મીરારોડમાં નયા નગર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ ગીતા-આકાશદીપ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના સાતમાં માળે 56 વર્ષના મનોજ સાની તેમના લિવ-ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્ય (36) સાથે છેલ્લા ઘણા જ સમયથી રહેતા હતા. કેટલાક સમયથી મનોજના ઘરમાંથી દુર્ગંધ આવતી હતી. તેઓના પાડોશી આ દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા હતા. જેની માહિતી તેઓએ પોલીસને આપી હતી.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે સોમેશ શ્રીવાસ્તવ, ગણેશ બાલાજી તેલગી અને વૈભવ સુભાષ તેલગી (પાડોશી)ની મદદથી દરવાજો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ અંદર પ્રવેશ કર્યો હતો. દુર્ગંધના કારણે પોલીસે પહેલા હોલ, બેડરૂમ અને ટોયલેટ સહિત બંને બેડની તપાસ કરી હતી. પોલીસને એક પલંગ પર એક કાળું પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રિકલ કટર મશીન મળી આવ્યું હતું, જેના પર લોહીના ડાઘ દેખાતા હતા.
પોલીસે મનોજના ઘરની તપાસ આદરી. સૌથી વધુ દુર્ગંધ કિચનમાંથી આવી રહી હતી. ત્યાં જઈને તેઓએ જોયું તો ફર્શ પર કપાયેલા વાળ પડેલા હતા. ગેસ પર કુકર મૂકેલું હતું. જેમાં માનવ શરીરના ટુકડાઓ બાફેલા હતા. સિંકમાં અડધાં બળેલાં હાડકાઓ પડેલા હતા અને શરીરના અંગો બાલદીમાં પડેલા હતા. આરોપી મનોજ સાનેએ જણાવ્યું કે તેણે તેના પાર્ટનરની હત્યા કરી અને પુરાવા છુપાવવા માટે લાશના ટુકડાઓ કરી ઠેકાણે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
મીરા-ભાયંદર (એમબીવીવી) પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના મૃતદેહને વિશ્લેષણ માટે જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ડૉક્ટરો દ્વારા શરીરના ટુકડાની તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ જ શરીરનો કયો ભાગ ખૂટે છે એની ખબર પડી શકશે. સાથે જ આરોપી મનોજ સાનેને કોર્ટે 16 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. મહિલાની હત્યા 3 થી 4 દિવસ પહેલા જ કરવામાં આવી હોય એવી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફોરેન્સિકની ટુકડી તરત ઘટના સ્થળે દોડી આવી હતી. ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ ભેગા કરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેને આપી મોટી રાહત: 23 જૂન સુધી ધરપકડ સામે રક્ષણ
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની સભ્ય ગૌરી છાબરિયાએ કહ્યું હતું કે, "આ ખૂબ જ ભયાનક કેસ છે. આવી બાબતોથી મન ખૂબ જ વિચલિત થઈ જાય છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે, તેથી હું કંઇ કહીશ નહીં, પરંતુ વહેલી તકે ન્યાય થાય તેવી હું માંગ કરું છું.